ટંકારા ના સજ્જનપર અને મોરબી ના રંગપર ખાતે મોબાઇલ પશુ દવાખાનાની ફાળવણી
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા નિઃશૂલ્ક પશુ સારવાર મળી રહે તેવા શુભઆશયથી મોબાઇલ પશુ દવાખાનાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જે અન્વયે મોરબીના રંગપર અને ટંકારાના સજ્જનપર ખાતે બે મોબાઇલ પશુ દવાખાનાની ફાળવણી કરવામાં આવી છે, જેનો લોકાર્પણ સમારોહ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં પાણી પુરવઠા અને પશુપાલન કેબીનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.
મોબાઇલ પશુ દવાખાનાના લોકાર્પણ પ્રસંગે પાણી પુરવઠા અને પશુપાલન કેબીનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારે પશુપાલન વિભાગ હસ્ત મોબાઈલ પશુ દવાખાનાની શરૂઆત કરાવી જેના ભાગરૂપે આજે મોરબી ખાતેથી અગાઉ મોબાઇલ પશુ દવાખાના ચાર વાહનો ફાળવેલ છે. આજે વધુ બે વાહનો મોબાઇલ પશુ દવાખાના માટે ફાળવેલ છે. મોરબી ખાતે ખેડૂતો અને પશુપાલકોના પશુઓને વિનામૂલ્યે સારવાર મળતી રહે તે માટે આજે ત્રીજા તબક્કાના વાહનો એટલે પશુ દવાખાના શરૂ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં વધુ ચાર મોબાઇલ પશુ દવાખાના ફાળવવાનો નિર્ધાર કર્યો છે.
મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ તેમજ જિલ્લા પંચાયતના અધિકારીઓ તથા પદાધિકારિઓએ આ મોબાઇલ પશુ દવાખાનાને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું.આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયા, મોરબી વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ પશુપાલન નિયામક ડૉ. આર.જે. કાવર, મદદનીશ પશુપાલન નિયામક સર્વેઓ ડૉ.જે.પી. ઉઘરેજા અને ડૉ. એન.જે. વડનગરા, ડૉ. એન.જે. કાસુન્દ્રા, ડૉ. જે.વી. પટેલ સહિતના અધિકારીઓ તેમજ પશુપાલન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.