રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવે મોરબી જીલ્લમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને સદંતર નેસ્ત નાબુદ કરવા સુચના હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે નાગડાવાસ ગામના પાટીયા પાસે, માલાણી હાઇવે હોટલના ગ્રાઉન્ડમાં ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર ગેસ કટીંગના કૌભાંડનો પર્દાફાશ કરી કુલ રૂ.૨૮,૦૫,૪૦૬/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃતિ ઉપર સતત વોચ રાખી આવી પ્રવૃતિઓ ઉપર અંકુશ રાખવા અસરકારક કામગીરી કરવા સુચના મળતા મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તેઓને ખાનગીરાહે બાતમી મળી હતી કે, નાગડાવાસ હોટલના ગ્રાઉન્ડમાં ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ગેસ કાઢવાની પ્રવૃતિ કરે છે. જે હકીકતનાં આધારે મોરબી તાલુકા પોલીસની ટીમે સ્થળ પર રેઇડ કરતા માલાણી હાઇવે હોટલના ગ્રાઉન્ડમાં એક ટેન્કર તથા તેની બાજુમાં એક બોલેરો કાર પડેલ હોય અને તેમાં ગેસના બાટલા ભરેલ હોય જેથી આજુબાજુમાં તપાસ કરતા કોઇ હાજર મળી આવેલ નહી અને KA-01-AM-9921 નંબરનાં ગેસના ટેન્કરમાંથી રબ્બરની બંને બાજુ વાલ્વ વાળી પાઇપ મારફતે ગેસના ત્રણ સિલીન્ડરોમાં ગેર કાયદેસર ગેસ કાઢતા હોવાનુ જણાય આવતા કુલ રૂ.૨૮,૦૫,૪૦૬/- નો મુદ્દામાલ મળી આવતા મુદ્દામલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.