સ્વ. પુનરવસુભાઈ.એચ.રાવલની દ્વિતીય માસિક પુણ્ય તિથિ નિમિત્તે ફ્રેન્ડસ્ યુવા ગ્રુપ અને સેવાભાવી લોકો દ્વારા અબોલ જીવો માટે અવાડાનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ ૫૫૫ શ્રમિકોને મીઠાઈ તથા ફરસાણનાં પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ફ્રેન્ડસ્ યુવા ગ્રુપના જણાવ્યા અનુસાર, હળવદ ખાતે સ્વ.પુનરવસુભાઈ એચ. રાવલની પુણ્ય તિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા હળવદના રાતકડી હનુમાનજી મંદિર પાછળ આવેલ મેલડી માતાજી ના મંદિર પાસે અબોલ પશુઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેવા શુભ આશયથી અવાડાંનું નિર્માણ કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેમાં ત્યાંથી પસાર થતા ગૌધણ અને અબોલ જીવોને સરળતાથી શુદ્ધ પાણી પીવા મળી રહેશે. તેની સાથે 555 શ્રમિકોને શુદ્ધ અને સાત્વિક મીઠાઈ તથા ફરસાણના પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં હળવદ નગરપાલિકાના સ્વચ્છતા સૈનિકો તેમજ આદિવાસી શ્રમિક મજૂરો કે જે પોતાના વતન બસમાં બેસીને મુસાફરી કરવાના હતા. તેવા શ્રમિકોને આ ફૂડ પકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મીઠાઈ અને ફરસાણ જનતા ફૂડ મોલ ખાતે સારામાં સારા મટીરીયલ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારે પોતાના પિતાજીને દ્વિતીય પુણ્ય તિથિ નિમિત્તે તેમના પુત્રો મનીષભાઈ તેમજ કેદારભાઈએ સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ આ કાર્યને સફળ બનાવવા ફ્રેન્ડસ્ યુવા ગ્રુપના સભ્યો તેમજ સેવાભાવી કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.