સ્કાય મોલ ખાતે આજે રાત્રે ૯.૩૦ વાગ્યે દીપોત્સવી ભવ્ય આયોજન કરાયું
મોરબી : દિવાળી એટલે જીવનમાં રહેલો અંધકાર દૂર કરીને ઉમગનો ઉજાશ પ્રગટાવવાનો પર્વ છે. દિવાળીએ માત્ર રોશની જ નહીં પણ માણસના અંતરમાં રહેલા દુર્ગુણોને દૂર કરી સદગુણોને દીપ પ્રગટાવાનો છે. દિવાળીના આ હેતુને સાર્થક કરવા માટે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે દીપાવલીની રાત્રે 9.30 વાગ્યે શહેરના સ્કાય મોલ ખાતે 10 હજાર દીવડાઓ પ્રગટાવી દરેક માણસના ભીતરમાં રહેલા દુર્ગુણોનો અંધકાર દૂર કરી સદગુણોનો દીપ પ્રગટાવવાનો સંદેશ અપાશે.
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે પ્રકાશના પર્વ દીપોત્સવીની અદભુત રીતે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ દિવાળીની ઉજવણી ભગવાન શ્રીરામ સાથે જોડાયેલી છે. હવે અયોધ્યામાં ભગવાન શ્રીરામ બિરાજમાન થયા હોવાથી વર્ષોની ભારતવાસીઓની મનોકામના પૂર્ણ થતાં તેની ખુશીનો અવસર મનાવવા માટે આજે દિવાળીની અનોખી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા આજે રાત્રે 9-30 કલાકે 10 હજાર દીવડાઓ પ્રગટાવી દીપોત્સવીની શાનદાર ઉજવણી કરવામાં આવશે. આમ પણ દરેક માણસના અંતરમાં અજવાળા પાથરવો એ જ દિવાળીનો સાચો મર્મ છે. પણ હવે લોકો ઘરેઘરે રોશની પ્રગટાવી ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી દિવાળીનો મૂળ હેતુ ભૂલી જાય છે. આથી દરેક માણસની અંદર રહેલી બુરાયનો અંધકાર નષ્ટ કરીને સત્યનો દીપ પ્રગટાવાનો હેતુ સાર્થક કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આથી દીપોત્સવીની આ અદભુત ઉજવણીમાં દરેક મોરબીવાસીઓને જોડાયને રોશનીના મહાપર્વમાં સહભાગી બનવાની તેઓએ અપીલ કરી છે.