આજથી ૧૧ માસ અગાઉ બોટાદ શહેર ખાતે નવ વર્ષની બાળકીની સાથે દુષ્કર્મ આચરી મોત નિપજાવનાર નરાધમ આરોપી વિરુદ્ધ બોટાદ જિલ્લા પોલીસ ટીમની તટસ્થ, ન્યાયિક અને ઝડપી તપાસના પરિણામે બોટાદ સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા આરોપીને આજીવન સખત કેદની સજા ફટકારવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, બોટાદ શહેરમાં ગત તા.૧૫/૦૧/૨૦૨૩ ના રોજ સાંજના સમયે બોટાદના રહીશ પરિવારની નવ વર્ષની માસુમ બાળકી પતંગ લુંટવા ગયેલ તે સમયે આરોપી રાજેશભાઇ દેવસંગભાઇ ચૌહાણએ બાળકીને બોટાદનાં એક ખંડેર ક્વાર્ટરમાં લઇ જઇ બાળાને અર્ધનગ્ન કરી દુષ્કર્મ કરી મોત નિપજાવેલ હોય જે અનુસંધાને બાળાના પીતાએ બોટાદ સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાવેલ હતી. જે ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમારએ તથા બોટાદ જીલ્લા પોલીસ વડા કિશોર બળોલીયાએ તુરંત જ આ ગુન્હાના આરોપીને તાત્કાલીક શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને આરોપીને શોધી કાઢવા માટે પોલીસે જુદી-જુદી ટીમ બનાવી કામગીરી હાથ ધરી હતી. ત્યારે તેઓને મળેલ બાતમી હકીકતનાં આધારે આરોપી રાજેશભાઇ દેવસંગભાઇ ચૌહાણ જડપાઇ જતા અને પોતે ગુન્હો કરેલાની કબુલાત આપતા આરોપીની તા.૧૬/૦૧/૨૦૨૩ ના રોજ ધોરણસર અટક કરી, આરોપીના મેડીકલ સેમ્પલ તથા અન્ય જરૂરી મુદ્દામાલ કબ્જે કરી વૈજ્ઞાનિક તપાસણી માટે એફ.એસ.એલ.માં મોકલી આપવામાં આવી હતી.
બનાવમાં બોટાદ પોલીસની ટીમ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ મેડીકલ ઓફિસર પાસે ભાવનગર ખાતે ફોરેન્સિક પી.એમ. કરાવી ભોગ બનનારના જરૂરી સેમ્પલો/નમુનાઓ પણ લેવડાવવામાં આવ્યા અને આ નમુનાઓ તેમજ કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ FSL ની લેબમાં પરીક્ષણ સારૂ મોકલવામાં આવ્યા હતા, ત્યારબાદ આ ગંભીર ગુન્હાના આરોપીને વધુમાં વધુ સખત શિક્ષા થાય તે દિશામાં પોલીસ દ્વારા તટસ્થ, ઉંડાણપુર્વક અને ન્યાયિક રીતે ગુન્હાની તપાસ હાથ ધરવામાં આવેલ જેમાં વૈજ્ઞાનિક તેમજ સાંયોગિક પુરાવાઓનું એકત્રીકરણ, વિવિધ પંચનામા, જરૂરી સાહેદોના નિવેદનો મેળવી ગુન્હો બન્યાના ફક્ત ૧૫ દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી હતી. આ ગુન્હામાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ થયા બાદ ન્યાયિક કાર્યવાહી દરમિયાન ભોગ બનનારને સમયસર ન્યાય મળે તે માટે જિલ્લા પોલીસ દ્વારા આ કેસમાં ખાસ સરકારી વકીલની નિમણુક માટે સરકારના કાયદા વિભાગને દરખાસ્ત કરવામાં આવતા, ગુજરાતના નામાંકિત અને કાયદાના નિષ્ણાંત એવા શ્રી ઉત્પલભાઇ દવેની આ ગંભીર કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. આ કેસમાં આજરોજ નામદાર કોર્ટે આપેલ ઉદાહરણરૂપ ચુકાદામાં આરોપીને આજીવન સખત કેદની(બાકીના કુદરતી જીવન સુધી) કડક શિક્ષા ફટકારી ભોગ બનનારને સાચા અર્થમાં ન્યાય આપેલ છે. ઉપરાંત આરોપીને ૨૦ હજાર રોકડ દંડ અને ભોગ બનનારને રૂપિયા ૧૦ લાખનું આર્થિક વળતર આપવા પણ હુકમ કરવામાં આવ્યો છે.
આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ,પીઆઈ વી.બી દેસાઈ તથા બોટાદ ટાઉન પોલીસ ટીમ,પીએમ ટી એમ.રીઝવી અને એલસીબી ટીમ,પીઆઈ એ.જી.સોલંકી અને એસ ઓ જી ટીમ, એ એસ આઇ રમેશ અલગોતર,કોન્સ્ટેબલ અજયસિંહ ગોહિલ,કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ ધાંધલ સહિતના જોડાયા હતા.