મોરબીના શનાળા ગામે અસામાજિક તત્વોએ એક વૃધ્ધે તેના ઘરમાં સીસીટીવી લગાવતા તેમજ તેની સાથે જૂની અદાવત હોય તેના ખારમાં હુમલો કર્યો હતો. અને વૃધ્ધનાં ઘરમાં તથા વાહનમાં તોડફોડ કરી વૃધ્ધ તથા તેના પરિવારજનોને ઢોર માર માર્યો હતો. જેમાં એક યુવકનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. જેને લઈ મોરબી પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી હતી. જે બાદ ભોગ બનેલ પરિવાર દ્વારા અન્ય લોકો પણ સંડોવાયેલા હોવાની ફરિયાદ કરતા પોલીસે એક મહિલા સહીત ચાર ઈસમોની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના શકત શનાળા ગામે આવેલ ઇન્દીરા આવાસ નવા પ્લોટ ઇસ્કોન એપાર્ટમેન્ટ પાછળ રહેતા બાબુભાઇ આંબાભાઇ સોલંકીએ પોતાના ઘરે સીસીટીવી કેમેરા લગાડેલ હોય તેમજ તેઓને મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલા નામના શખ્સ સાથે અગાઉ ઝગડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલાએ નવ જેટલા ઈસમો સાથે મળી વૃધ્ધ તથા તેના પરિવાર પર જાનલેવા હુમલો કર્યો હતો. તથા ઘરમાં તોડફોડ કરી હતી. આ હુમલામાં દેવુબેન સોલંકી, નીતિન સોલંકી અને રાહુલ સોલંકી ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી ૧૭ વર્ષીય રાહુલ સોલંકીનુ રાજકોટમાં સારવાર દરમિયાન મોત થતા સમગ્ર બનાવ હત્યામાં પલટાયો હતો. ત્યારે બનાવને પગલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ ભોગબનનારના પરિવારજનોએ વધુ ઈસમો આ ગુન્હામાં સંડોવાયેલ હોવાની જાણ કરતા પોલીસે આકરી તાપસ હાથ ધરી અજીતભાઈ ગોવિદભાઈ પ્રિયદર્શની, મયુર પ્રેમજીભાઈ વાઘેલા, પ્રકાશ મનસુખભાઈ વાઘેલા અને સોમીબેન મનસુખભાઈ વાઘેલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.