વ્યાજખોરોનાં ત્રાસનાં કેટલાક કિસ્સા સામે આવી ચુક્યા છે, જેમાં વ્યાજે પૈસા લેનારે ત્રણથી ચાર ગણી રકમ ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરો ધરાયા નહિ અને યુવક પાસે વધુ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા યુવકે આખરે કંટાળી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૨૨ ઈસમો વિરુધ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં શિવમ પેલેસ ૨વાપર ઘુનડા રોડ ફ્લેટ નં.૫૦૫ ખાતે રહેતા નીલભાઇ ભુપતરાય પોપટ નામના યુવકે અલગ-અલગ સમયે આરોપીઓ પાસેથી ઉંચા વ્યાજે નાણા લીધેલ હોય જેના બદલામાં વ્યાજખોરોએ ફરિયાદી પાસેથી બળજબરી પુર્વક તેમની સહી વાળા કોરા ચેકો તથા પ્રોમીસરી નોટ તથા લખાણ લખાવી લઇ અને ફરિયાદીના મકાનનો દસ્તાવેજ બળજબરી પુર્વક કરાવી લઇ તેમજ વાહનની આર.સી. બુક બળજબરી પુર્વક લઇ લીધેલ હોય અને ફરિયાદી પાસે આ કામના આરોપીઓએ વધુ રૂપીયાની અવારનવાર પઠાણી ઉઘરાણી કરી ટાંટીયા ભાંગી નાખવાની તેમજ મારી નાખવાની ધમકી આપતા હતા.
જેથી યુવકે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હિરેનભાઈ જીતેન્દ્રભાઈ પોપટ, કૌશલભાઇ સોમૈયા, યુનુસભાઈ સુમરા,રવી આહીર, કુશલ ભલા, હાર્દીકભાઇ મકવાણા, રાજુભાઇ ડાંગર, રામદેવસિંહ જાડેજા, સનીભાઇ, અલ્કેશભાઇ કોટક,ભાવેશભાઇ શેઠ, નવીનભાઇ માખીજા, મોસીનભાઇ માકડીયા,કાનાભાઈ ડાંગર, મહેશભાઈ બારેજીયા, ભરતભાઇ કોટેચા,પરેશભાઈ કચોરીયા,કેતનભાઈ પટેલ, અશ્વીનસિંહ ઝાલા,દેવાંગભાઇ, નિલેષભાઈ કેસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પણ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.