મોરબીમાં જુગાર રમતા શકુનિઓ પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં મોરબી તાલુકાના ઘૂંટુ ગામે આવેલ એક રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતો હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે સ્થળ પર રેઈડ કરી સ્થળ પર જુગાર રમતા ત્રણ ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે મોરબી તાલુકાના ઘૂંટુ ગામે આવેલ કેતનભાઇ રતીલાલભાઇ સોરીયાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં રેઇડ કરી બહારથી ભાવેશભાઇ ભગવાનભાઇ સાણંદીયા અને દિનેશભાઇ ગંગારામભાઇ સનારીયાને બોલાવી કેતનભાઇ ગેર કાયદેસર જુગાર રમવાના સાધનો/ સામગ્રી પૂરી પાડી તેની અવેજીમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતિનો જુગાર રમી રમાડતા પોલીસે ત્રણ ઈસમોની અટકાયત કરી રોકડ રૂ.૧૯,૮૦૦/-, રૂ.૩૫,૦૦૦/-ની કિંમતનાં ૫ મોબાઇલ ફોન તથા રૂ.૩,૦૦,૦૦૦/-ની કિંમતની GJ-36-F-9471 ટાટા કંપનીની હેરજા ગાડી મળી કુલ રૂ.૩,૫૪,૮૦૦/- ના મુદામાલ સાથે તમામ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.