ગુજરાતમાં સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે અને ઘર ઘર સુધી સંસ્કૃત પહોંચે તે લક્ષ્ય સાથે ગુજરાતમાં છેલ્લા 19 વર્ષોથી સંસ્કૃત ભારતી ગુજરાત પ્રેરિત સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે મોરબીમાં 29 કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવશે જેમાં કુલ 6109 વિધાર્થીઓ પરીક્ષા આપશે.
સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં આ વખતે સંપૂર્ણ ગુજરાતમાં યોજવામાં આવશે જેમાં કુલ 736 કેન્દ્રો પર 78,647 છાત્રો પરીક્ષા આપશે. સમગ્ર ભારતમાં સંસ્કૃતની પરિક્ષાઓ લેવાય છે તેમાં સૌથી વધુ સંખ્યા આ પરીક્ષામાં નોંધાયેલી છે જે એક ઐતિહાસિક સંખ્યા છે. આ પરીક્ષા આગામી 09 ડિસેમ્બરને શનિવારના રોજ 11:30 થી 12:30 પ્રવેશિકા અને પ્રમોદીકા પરીક્ષા અને બપોરે 01 થી 02 પ્રદીપિકા અને પ્રવાહિકા પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાને લઇને કેન્દ્ર સંયોજકો માટે ઓનલાઈન ચાર દિવસ ભણાવવાનું આયોજન પણ કરાયું હતું. તેમજ છાત્રોના અભ્યાસ માટે સંસ્કૃત ગૌરવ પરીક્ષા એપ્લીકેશન પરથી ખુબ સારી તૈયારી કરી શકાય તેવું આયોજન પણ કરાયું છે. તેમજ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થીઓને અને દરેક કેન્દ્રને પ્રમાણપત્ર આપવામાં આવશે. ત્યારે આ પરીક્ષાને લઇને સંસ્કૃત ગૌરવ પરીક્ષા સમિતિ દ્વારા છાત્રોને અભિનંદન પણ પાઠવવામાં આવ્યાં છે.