મોરબીમાં આપઘાત અને અકસ્માતોના બનાવોએ માજા મૂકી છે. જેમાં અનેક લોકોના અકાળે મોત નીપજી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબીમાં એક જ દિવસમાં ત્રણ લોકોના અકાળે મોત નિપજ્યાની પોલીસ ચોપડે નોંધ કરવામાં આવી છે.
પ્રથમ બનાવમાં, વાંકાનેરનાં બ્રોમો સીરામીક વઘાસીયા ટોલનાકા પાસે રહેતા મૂળ બિહારનાં રીતલાલ રામનિવાસ યાદવ ગઈકાલે મોરબી તાલુકાના ઉચી માંડલ ગામની સીમ, પર્થ સીરામીક સામેથી પસાર થતી નર્મદા પાણીની કેનાલમા ફુલ પ્રવાહ જતો હોય જેમા નહાવા પડતા પાણીના પ્રવાહમા તણાય જતા તેઓનું મોત નીપજ્યું હતું. જેમના મૃતદેહને ભારે જહેમત બાદ કેનાલના પાણીમાથી બહાર કાઢવામાં આવ્યો હતો. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.
બીજા બનાવમાં, માળીયા મી.ના નવા અંજીયાસર ગામે રહેતા હસીનાબેન અબ્દુલભાઇ માણેક નામની યુવતીએ ગઈકાલે બપોરના સમયે અગમ્ય કારણોસર પોતાના ઘરે પોતાની મેળે ગળેફાંસો ખાઇ લેતા તેને તાત્કાલિક માળીયા મી. સરકારી હોસ્પીટલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતી યુવતીને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે યુવતીને મૃત જાહેર કરી સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવવામાં આવી છે.
ત્રીજા બનાવમાં, હળવદનાં અજીતગઢ ગામની સીમમાં રહેતા મૂળ વડોદરાનાં દિલિપભાઇ ધુળાભાઇ નાયક ગત તા.૧૨/૧૨/૨૦૨૩ ના સવારના સમયે અજીતગઢતથા ખોડ ગામ વચ્ચે નીકળતી માળીયા બ્રાંચની નર્મદા કેનાલમા ન્હાવાજતા અકસ્માતે નર્મદા કેનાલમા પાણીમા પડી જતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરી યુવકને બહાર કાઢવા પ્રયત્નો હાથ ધાર્યા હતા. જો કે, ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો. જે સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.