મોરબી નગરપાલિકા દ્વારા ધોર બેદરકારી દાખવતા જાગૃત નાગરિકે પત્ર લખી કાયમી ચીફ ઓફિસરની માંગ કરી છે. સાથે જ મોરબીનાં પ્લોટ વિસ્તારમાં અનેક ઉદ્યોગો આવેલા છે. જેમાં એક થી દસ નંબર સુધી રોડ રસ્તા ગટરોના પાણી ઉભરાય ગયા છે જેને કારણે અનેક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી જાગૃત નાગરિક દ્વારા મોરબી નગર પાલિકા, મોરબી કલેકટર, ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયા અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે.
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં અનેક ઉદ્યોગો આવેલા છે જ્યાં એક થી 10 નંબર સુધીના રોડ રસ્તા પર ગટરના પાણીથી ઉભરાઈ ગયા છે. ત્યાં આવેલ અનેક ઔદ્યોગિક વિસ્તારમાં હજારો લોકો અવર જવર રહેતી હોય છે. અનેક લોડિંગ માલની આવક જાવક થતી હોય છે. ત્યાં આવેલ આ અશર કોમ્પલેક્ષમાં કોઈ પણ જાતનો પાણીનો નિકાલ થતો નથી. ત્યાં આસપાસ આવેલ કોમ્પલેક્ષો ભાડે આપવામાં આવેલા છે. જેમાં આયુષ હોસ્પિટલનું સ્ટાફ રહે છે જ્યાં સુવિધાના નામે મીંડું છે. કોઈપણ કોમ્પલેક્ષ બનાવતા પહેલા પાણીનું નિકાલ ફાયર બ્રિગેડ તથા શોચાલયની સુવિધા ફરજિયાત હોવી જોઈએ. મોરબી નગરપાલિકાની પરમિશન હોવી જોઈએ તેમજ આસપાસ અનેક મંદિરો પણ આવેલા છે. ત્યારે ગટરોના પાણી રોડ રસ્તા પર ફરી વળતા વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા છે. મોરબી નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમજ મોરબીના લોકો મોટો ટેક્સ ભરે છે તેમ છતાં કોઈ પણ પ્રકારની સુવિધા મળતી નથી તેથી સરકાર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણિયા, અશોકભાઈ ખરચરીયા સેતા ચિરાગભાઈ સહિતના જાગૃત નાગરિકો દ્વારા કલેક્ટર, મુખ્યમંત્રી અને નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે તેમજ જો પાણીનો નિકાલ 15 દિવસમાં કરવામાં નહીં આવે તો પ્રજાને સાથે રાખીને નગરપાલિકામાં ગટરના પાણી નાખવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.