મોરબીનગર પાલિકાના મફતિયા પરા ભારત નગર જુના મહેન્દ્રનગરના હદ વિસ્તારમાં રહેતા ત્રીસેક મકાનના રહેવાસીઓએ કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. સરકાર દ્વારા સરકારી ખરાબાની રેવન્યુ સર્વે નં.૧૫૬/૧ ની ૮૦૦૦ ચોરસ મીટર જમીનમાં ફાયર સ્ટેશન બનાવવા માટે જગ્યા ખાલી કરવાની નોટિસ આપતા છેલ્લા ત્રીસેક વર્ષથી રહેતા પરિવારના સભ્યોએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, સરકાર દ્વારા મોરબી નગરપાલિકાના મફતીયા પરા ભારત નગર જુના મહેન્દ્રનગરના વિસ્તારના રહેવાસીઓને સરકારી ખરાબા રેવન્યુ નંબર ૫૬/૧ ની ૮૦૦૦ ચોરસ મીટર જમીન ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી છે. જે જમીનમાં સરકાર દ્વારા ફાયર સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. ત્યારે આજરોજ બક્ષીપંચ જાતિના ચુંવાળિયા કોળી તથા અન્ય સમાજના લોકોએ કલેકટરને રજૂઆત કરતા કહ્યું હતું કે સરકાર દ્વારા ડીમોલેશનની નોટિસ આપવામાં આવી છે. ત્યારે આ લોકો લગભગ 30 થી 40 વર્ષથી અહીં જ રહે છે અને સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો લાભ કે સબસીડી આ લોકોને મળી નથી. ત્યારે પહેલા સરકાર દ્વારા રહેવા માટે મકાન કે ૧૦૦ ચોરસ વારના પ્લોટ ફાળવવામાં આવે તેવી વિનંતી સાથે રજૂઆત કરી હતી. સરકાર દ્વારા યોગ્ય રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે તો તમામ લોકો દ્વારા કોઇપણ જાતના વાંધા કે તકરાર વિના જમીન ખાલી કરી આપવાની રજૂઆત સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી.