ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના હસ્તે લાભાર્થીઓને લાભાન્વિત કરાયા
રાજ્યભરમાં ચાલી રહેલ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત મોરબી તાલુકાના મોડપર ગામે રથનું આગમન થયું હતું. સરકારી યોજનાઓ ઘર આંગણે પહોંચતા ગ્રામજનોએ રથને ઉમળકાભેર આવકાર્યો હતો.
આ પ્રસંગે ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મોડપર ગ્રામવાસીઓને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરી વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
સરકારશ્રીએ લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ- કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારની સિદ્ધિઓ-ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ સ્થળે પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ, એસ.બી.આઇ. જન સુરક્ષા અભિયાન, ઉજ્જવલા યોજના વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતોને માર્ગદર્શિત કરતું ‘ધરતી કહે પુકાર કે’ નાટક રજૂ કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના હસ્તે લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતા.
આ પ્રસંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ODF plus હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચને પ્રમાણપત્ર આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે મોડપરના ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું. તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પને સાકાર કરવા શપથ લીધા હતા.
આ પ્રસંગે ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, અગ્રણી અરવિંદભાઈ વાંસદળિયા, આગેવાનો,અધિકારીઓ,કર્મચારીઓ, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.