મોરબી જીલ્લામાં આવેલ મચ્છુ નદી મોરબી થઈને માળિયા અને ત્યાંથી હળકીયા ક્રિકમાં દરિયામાં ભળી જાય છે આ હળકીયા ક્રિકમાં જ્યાં મચ્છુ નદી દરિયામાં ભળે છે. ત્યાં ઘણા બધા ફાટાઓ ઉપર મીઠાના અગર વાળાઓ દ્વારા મોટા મોટા માટીના પાળાઓ બનાવીને મીઠું પકાવે છે. જેની માળિયા (મી) તાલુકાના બગસરામાં ફેક્ટરીઓ આવેલ છે. જેમાં આવતા જતા ટ્રક ડમ્પરોથી ત્રસ્ત ગ્રામજનો દ્વારા આજે રસ્તા રોકો આંદોલન હાથ ધરવામા આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર,, માળિયા (મી) તાલુકાના બગસરા ગામ પાસે મીઠાની ફેકટરીઓ મોટી સંખ્યામાં આવેલી છે. જે મીઠાના ઉદ્યોગમાં ગામમાંથી પસાર થઈ આવતા જતા ટ્રકને કારણે ગ્રામજનોમાં અકસ્માતનો ભય ફેલાયેલો રહે છે. જેની લઈ અવાર નવાર રજુઆત છતાં તંત્ર ધ્યાન ન આપતા ગ્રામજનોએ મોરચો માંડયો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. માળિયા (મી) તાલુકાના બગસરાના ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કરી આંદોલનનું બિગુલ ફૂંક્યું છે. અને વિરોધ દર્શાવી મીઠું ભરેલ ટ્રક રોક્યા હતા. ત્યારે બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને માળીયા મીયાણા પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડયો હતો. તેમજ મીઠા ઉદ્યોગકારોએ દસ દિવસમાં ગામની બાયપાસથી રસ્તો બનાવી ત્યાંથી ટ્રક પસાર કરવાની બાહેંધરી આપી હતી. ત્યારે ઉદ્યોગકારોએ બાહેંધરી આપતા ગ્રામજનોએ આંદોલન સમેટયું હતું.