રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા ૩૧ ડિસેમ્બર અનુસંધાને પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા સમગ્ર રેન્જમાં સ્પે.ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ નેસ્ત નાબૂદ કરવા સૂચન કરેલ હોય જે અનવ્યાએ કામગીરી કરતા દરમિયાન મોરબી જિલ્લા પોલીસ દ્વારા ત્રણ સ્થળોએ રેઇડ કરી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સહીત ત્રણ ને ઝડપી લેવામાં આવ્યા હતા જયારે બે ઈસમો ફરાર થયા છે.
પ્રથમ દરોડામાં, મોરબી એલ.સી.બી.ની ટીમ ગઈકાલે માળીયા મી. વિસ્તારમાં પેટ્રોલીંગ હોય તે દરમ્યાન તેઓને ખાનગી રાહે હકિકત મળેલ કે, માળીયા મી તાલુકાના ભાવપર ગામની સીમ સુઝલોન પવન ચક્કિની ઓફીસની સામે બાવળની કાંટમાં ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ છે. અને તેની હેરાફેરી ચાલુ છે. જે ચોકકસ હકિકતનાં આધારે પોલીસે સ્થાપી પાર રેઇડ કરતા સાગરભાઇ રામૈયાભાઈ સવસેટા (રહે. વવાણીયારામજીમંદિર વાળી શેરી ઉપરકોટ, તા. માળીયા મી. જી. મોરબી) નામનો શખ્સ ઇંગ્લીશ દારૂની નાની-મોટી કુલ ૧૫૦ બોટલોનાં રૂ.૫૫,૫૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા પોલીસે તેની અટકાયત કરી છે. જયારે વશરામભાઇ રબારી (રહે. ગાંધીધામ જી. કચ્છ) નામનો શખ્સ મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટિમ દ્વારા બાતમીનાં આધારે લાકડધાર ગામની સીમમાં આવેલ તળાવ પાસે રેઈડ કરી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની ભારતીય પરપ્રાંત બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની કાચની કંપની શીલ પેક ૨૮ બોટલનાં રૂ.૧૦,૬૦૦/- તથા ભારતીય પરપ્રાંત બનાવટના કીંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયરના ૪૦ ટીનનાં રૂ.૪,૦૦૦/- એમ મળી કુલ રુ.૧૪,૬૦૦/- ના મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી.જયારે મુખ્ય આરોપી મહેશ ઉર્ફે ભુરો ભનાભાઇ અણીયારીયા નામનો ઈસમ સ્થળ પરથી મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
જયારે ત્રીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા રંગપર ગામની સીમ મેસરીયા બોર્ડ થી મેસરીયા ગામ તરફ જતા રોડ પર સેન્ટબેરી કારખાના પાસે રોડ પરથી અજીતભાઇ બાબુભાઇ તકમરીયા નામના શખ્સને ભારતીય પરપ્રાંત બનાવટની મેકડોવેલ્સ નં.૧ ડીલક્સ વ્હીસ્કીની ૦૩ બોટલનાં રૂ.૧,૧૨૫/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.