સમગ્ર રાજ્યમાં ચકચારી એવા નકલી ટોલનાકા કૌભાંડમાં મોરબી એલસીબી ટીમ દ્વારા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જો કે, હજુ પણ સીદસર ઉમિયા ધામના પ્રમુખ પુત્ર અને ભાજપ આગેવાન સહિતના આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે વાંકાનેર સીટી પોલીસે પકડાયેલ બંને આરોપીઓને કોર્ટમાં રજુ કરતા તેમના ચાર દિવસના રિમાન્ડ મંજુર થયા છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના વાંકાનેર નજીક આવેલા વઘાસિયા ટોલનાકા નજીક નકલી ટોલનાકું ઉભું કરાયું હતું. છેલ્લા દોઢ વર્ષથી આ ટોલનાકું ઉભું કરાયું હોવાની માહિતી સામે આવી છે. ટોલનાકા નજીક આવેલી વાઇટ હાઉસ સિરામીકમાંથી રસ્તો કાઢીને ટોલ ઉધરાવવામાં આવતો હતો. જે અંગે મીડિયાએ અહેવાલ પ્રસારિત કરતા વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું. અને આ નકલી ટોલનાકા પર કાર્યવાહી કરવામાં આદેશ આપ્યો હતો. ત્યારે હવે આ પ્રકરણમાં ગઈકાલે મોરબી એલ.સી.બી. ટીમ દ્વારા બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. જેઓને આજે કોર્ટમાં રજુ કરવામાં આવતા તેમના રિમાન્ડ મંજુર થયા છે. રવિરાજસિંહ ઝાલા. અને હરવિજયસિંહ ઝાલાને ૧૪ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરાયા હતા. જેઓના કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે…