ગુજરાત રાજ્યે સૂર્યના પહેલા કિરણ સાથે સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. જેમાં મોરબી જિલ્લો પણ સહભાગી બન્યો છે. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાની ઉપસ્થિતમાં નાલંદા વિદ્યાલય ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રોગ તને પડકાર, સૂર્ય તને નમસ્કારની વિચારધારા સાથે નાલંદા વિદ્યાલય ખાતે ૬૦૬ યોગ સાધકોએ સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો.
માહિતી બ્યુરો, મોરબીના જણાવ્યા અનુસાર, નવા વર્ષે સૂરજની પહેલી કિરણ સાથે ગુજરાતે સૂર્ય નમસ્કાર થકી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે અને ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ત્યારે મોરબી જિલ્લો પણ આ સિદ્ધિમાં સહભાગી બની આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો છે. મોરબીમાં નવા વર્ષે નવી ઊર્જા સાથે નાલંદા વિદ્યાલય ખાતે ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૫૧ સ્થળોએ સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ સ્થાપિત કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં મોરબી જિલ્લો પણ આ વિશ્વ વિક્રમના સહભાગી બન્યો છે. મોરબીમાં પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીં ૬૦૬ યોગ સાધકો સૂર્ય નમસ્કાર કરી ગુજરાતની આ ઐતિહાસિક સિદ્ધિમાં સહભાગી બન્યા હતા. રાજ્યમાં કુલ ૫૧ સ્થળોએ સૂર્ય નમસ્કારના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્થળોમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે લોકોએ સુર્ય નમસ્કાર કરીને વિશ્વ વિક્રમમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો. ત્યારે મોરબીના યોગ સાધકો, યોગ ટ્રેનર, યોગ કોર્ડીનેટર તથા યોગ કોચ સહિત સૌએ મળી ૧૧ સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી વિશ્વ સ્તરે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારવા સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, નાલંદા વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી બી.એ. ગામી, અગ્રણીઓ, અધિકારીઓ, યોગ સાધકો, નાલંદા વિદ્યાલયનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.