મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમ, અન્નપુણી હોટલ નજીક મોરબી-માળીયા હાઇવે રોડ પરથી મધ્યપ્રદેશની કુખ્યાત ધાડપાડું ચડ્ડી બનીયાન ગેંગ તૈયારી કરી મોરબીમાં ધાડ પાડે તે પહેલાં મોરબી તાલુકા પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડયા હતા. જ્યારે ચાર આરોપી નાશી જતાં તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમ, અન્નપુણી હોટલ નજીક મોરબી-માળીયા હાઇવે રોડ પર રેઇડ કરી આરોપીઓ કૈલાસભાઇ પારસીંગ ભુરીયા, પ્યારસીંગ ઉર્ફે ભગત રણજીત વસુનીયા, જયદીપ રણુભાઇ બામનીયા, વિજય રૂપસીંગ ભુરીયા, મુકેશ દલસીંગ અમલીયાર, પપ્પુ અમલિયાર વસ્કલા અને ભયા વસ્કલાએ ઘાડ પાડવાના ઇરાદે ધાડ પાડવાની તૈયારી કરી ધાડ પાડવાના સાધનો એક લોખંડનું પ્લાસ્ટિકના હાથા ઉપર રબ્બર ચડાવેલ લાલ કલરના હાથાવાળુ મોટુ કટર, એક લોખંડનો આશરે અઢી ફુટ લંબાઇની એકબાજુ ધારદાર તથા એક બાજુ બુટ્ટો લોખંડનો સળીયો, એક આશરે એક ફુટની લંબાઇનો ગણેશીયો જે એક બાજુ ધારદાર તથા બીજી બાજુ કાપાવાળો, બે મોટા ડીસમીસ, એક વાયર કાપવાનુ કટર, એક લાલ કલરના હાથાવાળુ નાનુ ડીસમીસ, માથામાં પહેરવાની ટોર્ચ બત્તી તથા સાથે ગુન્હામાં ઉપયોગમાં લીધેલ સેવરોલેટ કંપનીની GJ-18-BH-4474 નંબરની ટાવેરા કાર જેની કિંમત રૂ.૧,૧૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી કૈલાસભાઇ પારસીંગ ભુરીયા, પ્યારસીંગ ઉર્ફે ભગત રણજીત વસુનીયા અને જયદીપ રણુભાઇ બામનીયાની અટકાયત કરી છે. જ્યારે વિજય રૂપસીંગ ભુરીયાની,મુકેશ દલસીંગ અમલીયાર, પપ્પુ અમલિયાર વસ્કલા અને ભયા વસ્કલા નાશી જતાં રહ્યાં છે. જેથી મોરબી તાલુકા પોલીસે તમામ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી ભાગી ગયેલ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.