સમગ્ર રાજ્યમાં ચકચારી એવા નકલી ટોલનાકા કૌભાંડમાં મોરબી એલસીબી ટીમ દ્વારા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જો કે, હજુ પણ સીદસર ઉમિયા ધામના પ્રમુખ પુત્ર અને ભાજપ આગેવાન સહિતના આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ આજે પૂર્ણ થતા તેઓને જેલ હવાલે કરાયા છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના વાંકાનેર નજીક આવેલા વઘાસિયા ટોલનાકા નજીક નકલી ટોલનાકું ઉભું કરાયું હતું. છેલ્લા દોઢ વર્ષથી આ ટોલનાકું ઉભું કરાયું હોવાની માહિતી સામે આવી છે. ટોલનાકા નજીક આવેલી વાઇટ હાઉસ સિરામીકમાંથી રસ્તો કાઢીને ટોલ ઉધરાવવામાં આવતો હતો. જે અંગે મીડિયાએ અહેવાલ પ્રસારિત કરતા વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું. અને આ નકલી ટોલનાકા પર કાર્યવાહી કરવામાં આદેશ આપ્યો હતો. ત્યારે હવે આ પ્રકરણમાં ગઈકાલે મોરબી એલ.સી.બી. ટીમ દ્વારા બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. જે આરોપીઓ રવિરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ ઝાલાના ચાર દિવસનાં રિમાન્ડ આજે પૂર્ણ થતા તેઓને જેલ હવાલે કરાયા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, ગુનો નોંધાયાને ૨૫ દિવસ બાદ હજુ પણ ત્રણ આરોપી અમરશીભાઈ જેરામભાઈ પટેલ,ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા તથા યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા પોલીસ પકડથી દૂર છે.