મોરબી જિલ્લામાં થર્ટી ફર્સ્ટ બાદ હવે ઉત્તરાયણ પર્વ ઉપર દારૂની રેલમછેલ કરવાની બુટલેગરોની મેલી મુરાદ પર પાણી ફેરવી નાખવા પોલીસ મેદાને આવી છે. અને ગઈકાલે બે સ્થળોએ રેઈડ કરી કુલ ચાર ઈસમોને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડ્યા છે. જયારે એક ઈસમ સ્થળ પરથી ન મળી આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રથમ દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય ત્યારે તેઓને ખાનગીરાહે બાતમી મળેલ હતી કે, GJ-10-DA-7712 નંબરની એક મારૂતી સુઝુકી આઇ-૨૦ કાર કણકોટ ગામના પાટીયા પાસે રોડ પરથી પસાર થવાની છે. જેમાં વિદેશી દારૂની હેરાફેરી થઇ રહી છે. જે હકીકતનાં આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી રાખી બાતમીવાળી કાર નીકળતા તેને રોકી કારમાં તપાસ કરતા તેમાંથી ભારતીય પરપ્રાંત બનાવટની રૂ.૭૨,૦૦૦/-ની કિંમતની મેકડોવેલ્સ નં.૧,ડીલક્સ વ્હીસ્કીની ૧૯૨ બોટલ તથા રૂ.૨૩,૦૦૦/-ની કિંમતનાં ૦૨ મોબાઇલ ફોન એમ મળી કુલ રૂ.૩,૯૫,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવતા પોલીસે કારમાં સવાર કલ્પેશભાઇ ઉર્ફે લાલો બાબભાઇ ખાચર તથા છત્રજીતભાઇ વીજયભાઇ ખાચરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બાતમીનાં આધારે મોરબી કબીર ટેકરી શેરીનં.૮ નગર દરવાજા પાસે વોચ ગોઠવી રાખી GJ-08-AV-9559 નંબરની સી.એન.જી રીક્ષા સ્થળ પરથી નીકળતા તેને રોકી રીક્ષામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ગ્રીન લેબલ ધ રિચ બ્લેન્ડેડ વ્હીસ્કીની ૨૧ બોટલોનો કુલ રૂ.૬૩૦૦/- નો મુદામાલ મળી આવતા પોલીસે રીક્ષા સવાર અસગરભાઇ અબ્દુલભાઇ ચાનીયા તથા ભાવેશગીરી રમણીકગીરી ગૌસ્વામીની અટકાયત કરી પૂછપરછ કરતા તેઓએ આ મુદ્દામાલ બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી સી.એન.જી રીક્ષા મળી કુલ રૂ.૫૬૩૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો છે. અને ફરાર ઈસમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.