રક્તદાન એટલે મહાદાન. જ્યારે એક વ્યક્તિ રક્તદાન કરે છે, ત્યારે ત્રણ વ્યક્તિઓનું જીવન બચી શકે છે. હાલ હળવદના નવા ઘનશ્યામગઢ ગામે સ્વ.બચુભાઈ જાદવજીભાઈ ગોપાણીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર, આજરોજ હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે સ્વ.બચુભાઈ જાદવજીભાઈ ગોપાણીની પુણ્ય સ્મૃતિમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ડૉ. દિલીપ ગોપાણી (ડૉ ગોપાણી હોસ્પિટલ મોરબી)ની પ્રેરણાથી સમસ્ત ગોપાણી પરિવાર દ્વારા આયોજિત આ કેમ્પમાં 85 બ્લડની બોટલ એકત્ર કરવામાં આવી હતી. જે બ્લડની બોટલ શ્રી બ્લડ બેંક મોરબી (નાથાણી બ્લડ બેંક મોરબી) ખાતે અર્પણ કરવામાં આવશે. ત્યારે ઉલ્લેખનીય છે કે, સ્વ.બચુભાઈ ગોપાણી 85 વર્ષ ની ઉંમરે અવસાન થતાં તેમની સ્મૃતિમાં તેમના સ્વજનો દ્વારા 85 બ્લડની બોટલ ડોનેટ કરી સેવાકીય કાર્ય થકી સદગતને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. આ કેમ્પને સફળ બનાવવા ગોપાણી પરિવાર તેમજ નવા ઘનશ્યામ ગઢ ગામના સેવાભાવી લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.