વાંકાનેરમાં ગઈકાલે બે સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. જેમાં વાંકાનેર સીટી પોલીસે વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. તો વાંકાનેર તાલુકા પોલીસે વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા જ ત્રાટકી વિદેશી દારૂ સાથે એકને પકડી પાડ્યો હતો.
પ્રથમ દરોડામાં, વાંકાનેર સીટી પોલીસની ટીમ દ્વારા બાતમીનાં આધારે વાંકાનેર મીલપ્લોટ ચોકમા રોડ ઉપર રેઇડ કરવામાં આવી હતી અને સ્થળ પરથી સાહીલભાઈ હુશેનભાઈ પીપરવાડીયા નામના શખ્સને ભારતિય બનાવટના પરપ્રાંતિય ઈંગ્લીશ દારૂની ROYAL CHALLENGE ૦૬ બોટલોનાં રૂ.૩૧૨૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય ત્યારે તેઓને બાતમી મળેલ કે, ઢુવાથી લાકડધાર ગામ તરફ જતા રોડ પર વિદેશી દારૂનું કટિંગ થનાર છે. જે હકીકતને લઈ તેઓ દ્વારા સ્થળ પર રેઇડ કરવામાં આવી હતી અને સ્થળ પર બંધ હાલતમાં રહેલ સ્વીફ્ટ સીરામીક ના પાછળના ભાગે ખુલ્લા પટમાં વિદેશી દારૂનું કટિંગ થઇ રહ્યું હોય જેમાં રેઈડ કરી હતી. જો કે, પોલીસને આવતી જોઈ જતા સ્થળ પરથી એક કાર ચાલક તથા એક મોટર સાયકલ ચાલક સહિતના શખ્સો ફરાર થયા હતા. જયારે પોલીસે સ્થળ પરથી GJ-03-MH-4867 નંબરની ઇકો કારનાં ચાલક મેરાભાઇ હરેશભાઇ ભાટીયાને પકડી પાડ્યા હતા અને તેની પાસેથી ભારતીય પરપ્રાંત બનાવટની ઇંગ્લીશ દારૂની ૨૪૦ બોટલનો રૂ.૮૭,૧૨૦/- તથા રૂ.૫,૦૦૦/-ની કિંમતનો ૦૧ મોબાઇલ ફોન, રૂ.૮૦,૦૦૦/-ની કિંમતની ૦૨ મોટર સાયકલ તથા ઈકો કાર મળી કુલ રૂ.૪,૭૨,૧૨૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને મેરાભાઇ હરેશભાઇ ભાટીયાની અટકાયત કરી ફરાર ઈસમોને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.