મોરબીમાં આપઘાત અને અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી તાલુકા વિસ્તારોમાં બે યુવકોનાં અલગ-અલગ સ્થળોએ મોત નિપજ્યા હતા. જેમાં ઘુટુ ગામની સીમમાં આવેલ રોલેક્ષસીરામીકમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે પંચાસર ગામની સીમમાં આવેલ દાદુભા ઝાલાની વાડીએ અકસ્માત સર્જાતા મોટરસાઈકલ ચાલક યુવકનું મોત નીપજ્યું હતું.
પ્રથમ બનાવમાં, ઘુટુ ગામની સીમમાં આવેલ રોલેક્ષસીરામીકમાંથી ગત તા.૮/૦૧/૨૪ ના રોજ એક અજાણ્યા યુવકનું મૃતદેહ મળી આવ્યું હતું. જેને લઈ નિંકુજભાઇ દુર્લભભાઇ ફેફર દ્વારા યુવકના મૃતદેહને પી.એમ. અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી. તેમજ પોલીસે સમગ્ર મામલે મૃતક અજાણ્યા યુવકની શોધખોળ હાથ ધરી હતી.
બીજા બનાવમાં, મોરબીમાં પંચાસર ગામની સીમમાં મહાવીરસિંહ દિલુભા ઝાલાની વાડીએ રહેતા મૂળ એમ.પી. નાં વિજયભાઇ નારાયણભાઇ કટારા ગઈકાલે પોતાની GJ-03-ED-9353 નંબરની મોટરસાઈકલ લઇ જતો હતો. ત્યારે વાડીના રફ રસ્તામાં ખાડાઓ આવતા મોટર સાયકલ પરનો કાબુ ગુમાવતા બાજુના ખેતર ફરતે તાર ફેન્સીંગ માટે સિમેન્ટનો થાંભલો લગાવેલ હોય ત્યા મોટરસાઈકલ નીચે પડી જતા સિમેન્ટના થાભલા સાથે વિજયના માથાનો ભાગ અકસ્માતે ભટકાતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થતા યુવકને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો. તેમજ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.