મોરબીમાં ગામડે આવેલ વડીલો પાર્જીત જમીનના ભાગની સમસ્યાના નિરાકરણ મામલે વૃદ્ધ કાકાને તેના સગા ભત્રીજાએ જાહેરમાં ફડાકા તથા ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર બનાવ મામલે મોરબી બી ડિવિઝનમાં વૃદ્ધ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મૂળ જુના દેવળીયા ગામના વતની હાલ મોરબીના એસપી રોડ ઉપર ઈડન ગાર્ડન સોસા.ફ્લેટમાં રહેતા ઈશ્વરલાલ અમરશીભાઈ ભોરણીયા ઉવ.૬૩ એ પોતાના સગા ભત્રીજા શાંતિલાલ રતિલાલ ભોરણીયા રહે. હળવદ વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી કે ગત તા. ૧૯/૧ના રોજ ઈશ્વરલાલ પોતાના સંબંધીની આરોગ્ય ક્લિનિકના ઉદ્ઘાટનમાં મહેન્દ્રનગર ચોકડી પાસે ગયા હોય ત્યારે ઈશ્વરલાલના મોટાભાઇનો દીકરો આરોપી શાંતિલાલ રતિલાલ ભોરણીયા ત્યાં આવી કહેવા લાગ્યો કે આપણા ગામ વડીલો પાર્જીત જમીનના ભાગની સમસ્યાનું ક્યારે નિરાકરણ આવશે જેવી માથાકૂટ કરી બોલાચાલી બાદ આરોપી શાંતિલાલ એકદમ ઉશ્કેરાઈ વૃદ્ધ ઈશ્વરલાલને ફડાકા તથા ઢીકાપાટુનો માર મારવા લાગેલ ત્યારે ઈશ્વરલાલ દ્વારા દેકારો કરતા ઉદ્ઘાટનમાં આવેલા અન્ય લોકો ત્યાં આવી પહોંચતા આરોપી શાંતિલાલ ત્યાંથી જતા જતા કહેલ કે જમીનના ભાગનું નિરાકરણ નહિ આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે બનાવ મામલે મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીની અટક કરવાની તજવીજ હાથ ધરી છે.