મહિલાઓ સાથે થતાં દુષ્કર્મને રોકવા માટે કડક કાયદા બની રહ્યા છે તેમ છતાં નરાધમોને કોઈ અસર જ ના હોય તેવું લાગી રહ્યું છે. કાયદાના ડર વિના નાની બાળકીઓથી માંડીને વૃદ્ધાને નરાધમો હવસનો શિકાર બનાવે છે. ત્યારે વર્ષ ૨૦૧૯ માં ૭ વર્ષીય બાળા સાથે થયેલ દુષ્કર્મના કેસમાં મોરબી સેશન્સ કોર્ટે આરોપીને ૨૦ વર્ષની કેદની સજા તથા રૂ.૨૫ હજાર દંડ ફટકાર્યો છે. તેમજ પીડિતાને રૂ.૪ લાખ સહાયની પણ જાહેરાત કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગત તા. ૨૬-૧૨-૨૦૧૯ ના રોજ સાત વર્ષની છોકરી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. નરાધમે છોકરીને એ હદે પીંખી નાખી કે તેની હાલત ગંભીર થઇ ગઈ હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે, નરાધમ મોહરસીંગ ઉર્ફે મામુ જમુનાપ્રસાદ આદીવાસીએ ભોગબનનાર બાળકી તેનાં ઘરની બહાર રમતી હોય ત્યારે તેને આરોપીએ લાલચ આપી પોતાના રૂમ નં. ૩૧ માં લઈ જઈ સગીરાને પિંખી નાખી હતી. જે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જે કેસ મોરબી સેશન્સ કોર્ટમાં ચાલતો હોય ત્યારે આજે મોરબી સેશન્સ કોર્ટના જજ દ્વારા ૧૬ મૌખિક પુરાવા અને ૨૭ દસ્તાવેજી પુરાવા ને આધારે અને સરકારી વકીલ નીરજ ડી.કારિયા ની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને આરોપીને ૨૦ વર્ષની કેદની સજા તથા ૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો.તેમજ ભોગ બનનાર ને મળવાપાત્ર ચાર લાખ નુ વળતર અને આરોપીના દંડ ની રકમ ૨૫૦૦૦ સહિત ૪,૨૫,૦૦૦ પૈકી રૂપિયા ૩,૩૭,૫૦૦ ની રકમ વચગાળાની રાહત પૈકી ચૂકવી આપવામાં આવેલ હોય જેથી બાકી રહેતી રકમ ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે.