યુવક દોડીને ઘરમાં જતા રહેતા ઘર ઉપર પથ્થરમારો, ઘર બહાર પડેલ બે મોપેડમાં નુકસાની કરી
મોરબીમાં ખાખીનો ખોફ ઓસર્યો હોય તેમ છાસવારે આવારાતત્વો અને લુખ્ખાતત્વો દ્વારા મારામારી તેમજ દાદાગીરીની એક પછી એક ઘટના સામે આવતી હોય છે. અગાઉ સ્કાય મોલ પાર્કિંગ રાખવા બાબતે પ્રથમ ઘટના ઘટી ત્યારે ભીનું સંકેલી લેવામાં આવ્યું હતુ. ત્યારબાદ બીજી ઘટનામાં સ્કાય મોલ પાર્કિંગ બાબતે હમણાં થોડા દિવસો પહેલા એક કારને આંતરી યુવક ઉપર ૧૦ શખ્સો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આજરોજ આ ત્રીજી ઘટનામાં સ્કાય મોલ પાર્કિંગ બાબતની જ માથાકૂટમાં યુવક ઉપર છ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સદ્નસીબે યુવક દોડીને ઘરમાં જતો રહ્યો અને વધુ એક લોહિયાળ ઘટના ઘટતા સહેજમાં રહી ગયી. એક જ બાબતે ઉપર છાપરી મારામારીના બનાવમાં સમયસર કોઈપણ રાજકીય અને સામાજિક સેહ શરમ રાખ્યા વિના પોલીસતંત્ર દ્વારા કડક પગલાં નહિ લેવામાં આવે તો ભવિષ્યમાં આ મામલે વધુ લોહિયાળ બનાવો સામે આવશે. હાલ તો સ્કાય મોલ પાર્કિંગ બાબતે ત્રીજીવારની બનેલ હુમલાની ઘટનામાં ૬ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
મળતી માહિતી અનુસાર મોરબીના વાવડી પંચાસર રોડ વચ્ચે આવેલ કૈલાસ પાર્કમાં રહેતા હિતેષભાઇ ધર્મેન્દ્રભાઇ વસવેલીયા ઉવ.૨૭ એ આરોપીઓ મચ્છો રબારી, સંજયભાઇ રબારી, દિનેશભાઇ રબારી, મહેશભાઇ રબારી બધા રહે.રબારી વાસ મોરબી, મેરૂ રબારી રહે.વીરપ તા.જી.મોરબી, જેઠો રબારી રહે.મોરબી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે આજથી આશરે છ માસ પહેલા સ્કાય મોલમાં વાહન પાર્કિંગ રાખવા બાબતે ફરિયાદી હિતેષભાઇના મિત્ર દેવ કુંભારવાડીયાને સ્કાય મોલના સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ થયેલ હતી. અને આ સિક્યુરિટી ગાર્ડન માણસોનું મેનેજમેન્ટ સંજયભાઈ રબારી તથા દિનેશભાઇ રબારી કરતા હોય જેથી હિતેષભાઇના મિત્રને તેઓ બધાની સાથે એ બાબતે ઝઘડો થયેલ હોય અને હિતેષભાઇ અવાર નવાર ફરતા હોય અને તેમની કારનું ડ્રાઇવીંગ કરતો હોય જેનો ખાર રાખી તા. ૨૫/૦૧ના રાત્રીના સમયે હિતેષભાઇના ઘર પાસે આરોપી સંજય રબારી, મચ્છો રબારી, દિનેશ રબારી તથા મહેશ રબારી એમ ચારેય આરોપીઓ નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારમાં આવ્યા હતા. જેમાં આરોપી દિનેશભાઇએ હિતેશભાઈને છરી બતાવી મારવા દોડતા તથા અન્ય આરોપીઓ છુટા પથ્થરો લઇ પાછળ દોડતા હિતેષભાઇ દોડીને પોતાના ઘરમાં જતા રહ્યા હતા.આથી અન્ય આરોપી મેરુ રબારી અને જેઠો રબારી એમ તમામ આરોપીઓએ હિતેષભાઇના ઘર ઉપર છુટા પથ્થરના ઘા કરી ગાળો આપવા લાગ્યા હતા.અને કહેવા ગગયા કે ‘હવે તુ સ્કાયમોલવાળી મેટરમાંથી બહાર નીકળી જાજે નહીતર જાનથી મારી નાખશુ’ તેવી ધમકી આપી હિતેષભાઇના ઘર બહાર શેરીમાં રાખેલ કાળા કલરનુ નંબર વગરનુ એકટીવા મો.સા.તથા લાલ કલરનુ માઇસ્ક્રો મો.સા. ઉપર છુટ્ટા પથ્થરના ઘા કરી તોડી નાખી નુકશાન કરી તમામ આરોપીઓ જતા રહ્યાની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ૩૩૭, ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ અને જીપી.એક્ટ કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.