મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતા એક શખ્સને મોરબી એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે સ્થળ ઉપરથી ઈંગ્લીશ દારૂની ૧૭૨ બોટલ કબ્જે લીધી હતી. દરોડા દરમિયાન પકડાયેલ આરોપીની સઘન પૂછપરછમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો જેના પાસેથી મેળવ્યો હતો તેનું નામ ખુલવા પામ્યું હતું.
મળતી માહિતી અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ અશોકભાઈ ડાભીના મકાનની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં દરોડો પાડી આરોપી રોહીતભાઈ જીવણદાસ દુધરેજીયા ઉવ.૨૦ રહે કાલિકા પ્લોટ કરીમભાઈના બંગ્લાની પાસે મોરબીને ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૭૨ બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે આરોપીએ ઈંગ્લીશ દારૂનો જથ્થો કાલિકા પ્લોટમાં રહેતા સાહીલ રહીમભાઈ ચાનીયા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા હાલ પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે લઇ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.