વલસાડ જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં છેલ્લાં ૨૦ વર્ષમાં ગુમ/અપહરણ થયેલા ૮૦ બાળકો/વ્યકિતઓને ફકત એક જ માસના ટૂંકા સમયમાં શોધી કાઢવામાં વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. જેને લઈ વલસાડ જિલ્લા પોલીસની કામગીરીને સૌ કોઈ બિરદાવી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાતનાં ડી.જી.પી. વિકાસ સહાય, સી.આઈ.ડી. કાઈમનાં ડૉ.રાજકુમાર પાંડીયન, તથા સુરત રેન્જ આઇ.જી. વાબાંગ જમીરની સુચના અન્વયે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં ૨૦ વર્ષમાં ગુમ/અપહરણ થયેલા બાળકો/બાળકી તથા વ્યકિતઓને શોધી કાઢવા માટે જે તે સમયના કાગળો તથા રજિસ્ટરો ચેક કરી ફરીયાદી તથા સાહેદોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સાથે સાથે ફરીયાદી અને સાક્ષીઓના નિવેદનો તેમજ તેમના બતાવેલ સરનામે શોધખોળ ચાલુ કરવામાં આવી હતી. જેમાંથી ઘણાં ખરા કિસ્સાઓમાં ગુમ/અપહરણ બાળકો તથા વ્યકિતઓ (પુખ્તવયના) ગુજરાત રાજય બહાર રહેતા હોવાનું ધ્યાને આવ્યું હતુ. આ તમામ કિસ્સાઓમાં જિલ્લાના થાણા અધિકારીઓને જે તે રાજયમાં જે તે જિલ્લાના સરપંચો ગામના સભ્યો, સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમજ ટેકનીકલ સોચીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરાવતા તમામ ગુમ/અપહરણ થયેલ બાળકો/વ્યકિતઓની જાહેરાત/ફરીયાદ આપનારનો સંપર્ક કરી તેના આધારે અલગ- અલગ ટીમો બનાવી અલગ-અલગ રાજયોમાં નવેસરથી ગુમ/અપહરણ થયેલ બાળકો/વ્યકિતઓને શોધી કાઢવા સાંરૂ પોલીસ દ્વારા સધન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. આ અભિયાનમાં ગત માસ જાન્યુઆરી ૨૦૨૪ માં ફકત એક જ માસમાં ગુમ/અપહરણ થયેલ કુલ ૨૦ બાળક/બાળકીઓ તથા કુલ ૬૦ સ્ત્રી/પુરૂષ મળી કુલ ૮૦ લોકોને શોધી કાઢવામાં વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે.