વિશ્વમાં સિરામીક હબ તરીકેનું નામનાં ધરાવતા મોરબી દિવસે નહીં તેટલું રાત્રે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે મોરબી નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો મળે તે માટે છેલ્લા દોઢ વર્ષથી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેને લઇને આજરોજ ગુજરાત સરકારના ૨૦૨૪-૨૫ ના બજેટમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ મોરબી સહિત નવસારી,ગાંધીધામ,વાપી, સુરેન્દ્રનગર, આણંદ, અને મહેસાણા એમ કુલ આઠ શહેરોને મહાનગર પાલિકા બનાવવા સરકારે જાહેરાત કરી છે.
દેશ સહિત વિશ્વના સીરામીક ઉદ્યોગ ક્ષેત્રે ડંકો વગાડનાર મોરબી દિવસ અને રાત્રે વિકાસની હરણફાળમાં ભરી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લો બન્યાં બાદ પણ જોઈએ તેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નાગરિકોને પાણી અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ ન મળવાથી તેમજ શહેરનાં સાંકડા રસ્તાઓને કારણે ટ્રાફિક સમસ્યા વિકરાળ બનતા છેલ્લા દોઢેક વર્ષથી મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા માંગ ઉઠી હતી. જેને લઇને મોરબીના ચુંટાયેલા પ્રતિનિધિ દ્વારા સરકારમાં પણ રજૂઆત કરાઈ હતી. જે માંગને ધ્યાનમાં રાખીને આજે રાજ્ય સરકારનું ૨૦૨૪-૨૫ નું બજેટ રજૂ કરી રહેલ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવશે તેવી જાહેરાત કરી મોરબીને મહત્વની ભેટ આપી છે. તદુપરાંત નવસારી, ગાંધીધામ, વાપી, સુરેન્દ્રનગર, આણંદ અને મહેસાણા સહિત કુલ આઠ શહેરોને પણ નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવા જાહેરાત કરી છે. આમ ગુજરાત સરકારે મોરબી માટે આજે રાજ્યના બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત કરતા મોરબીવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. તેમજ મહાનગર પાલિકાનો દરજ્જો મોરબીને મળતાં શહેરની અનેક સમસ્યાઓ હલ થશે અને મોરબી જેટ ગતિએ વિકાસ કરશે તેવી આશા શહેરીજનોમાં જોવા મળી રહી છે.