મોરબીની સગીરાને ૯ વર્ષ પૂર્વે ભગાડી શારીરિક સંબંધ બાંધનાર ઈસમને મોરબીની સેશન્સ કોર્ટ દ્વારા ૧૨ વર્ષની જેલની સજા કરવામાં આવી છે. તથા ૨૨ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ ભોગબનનારને રૂ.૨,૬૨,૫૦૦નુ વળતર આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત તા.૧૭-૦૪-૨૦૧૪ ના રોજ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી કે, રમેશ ઉર્ફે રાજેશ ઉર્ફે મુન્નો ઉર્ફે સિન્ધુ નાનજીભાઈ ચાવડા નામનો ઈસમ ફરિયાદીની સગીર વયની પુત્રીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે લગ્ન કરવાના ઈરાદે ભગાડી લઈ ગયો છે. જેને લઇ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ભોગ બનનાર મળી આવતા આરોપીએ તેણીની સાથે શરીર સબંધ બાંધેલ હોવાનું જણાતા ભારતીય દંડ સંહિતાની કલમ-૩૭૬ તથા જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ ની કલમ-૩(એ), ૪, ૬ મુજબનો ઉમેરો કરવામાં આવ્યો હતો. જે કેસમાં મોરબીની સેશન્સ કોર્ટનાં જજ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં ૧૩ મૌખિક પુરાવા અને ૩૪ દસ્તાવેજી પુરાવાને આધારે અને મદદનીશ સરકારી વકીલ સંજય સી.દવે અને નીરજ. ડી કારિયા ની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને આરોપીને ૧૨ વર્ષની જેલની તથા ૨૨ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.