મોરબી લાંચ રુશવત વિરોધી બ્યુરોએ માળીયા મી.નાં તરઘરી ગામે આવેલ પીપળીયા ચાર રસ્તા પાસેથી ગ્રામ પંચાયતના સભ્ય તથા સરપંચના પતિને પરદેશી બાવળ કાપવાની ગ્રામ પંચાયતની મંજુરી આપવા માંગેલ ૮૦,૦૦૦ની લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યા હતા. જે બનાવમાં જિલ્લા વિકાસ અધિકારીએ મહિલા ઉપસરપંચ અને ઇન્ચાર્જ સરપંચ જ્યોતિબેન મુકેશભાઈ પરમારના પતી મુકેશ હમીરભાઇ પરમાર અને તરઘરી ગ્રામપંચાયત સભ્ય દામજીભાઈ પોપટભાઈ ગામીને હોદા પરથી દૂર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનો એક જાગૃત નાગરિક પરદેશી બાવળ કાપી છુટક વેચાણ કરી મજુરી ધંધો કરતો હોય જેણે તરઘરી ગ્રામ પંચાયતની ખરાવાડ તથા ગ્રામ પંચાયતના ખરાબામાં પરદેશી બાવળ કાપવા તરઘરી ગ્રામ પંચાયતના ચુટાયેલ સભ્ય દામજીભાઇ પોપટભાઇ ગામીની પાસે પંચાયતની મંજુરી લઇ આપવા કહેતા દામજીભાઇ પોપટભાઇ ગામીએ તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ જ્યોતિબેનના પતિ મુકેશભાઇ હમિરભાઇ પરમાર કે જેઓ ગ્રામપંચાયતનો તમામ વહિવટ પોતાના પત્ની વતી કરતા હોય જેમની સાથે ફરીયાદીને મેળવી બન્ને આરોપીઓએ ફરીયાદી પાસેથી તરઘરી ગ્રામ પંચાયતની ખરાવાડ તથા ગ્રામ પંચાયતના ખરાબામાં પરદેશી બાવળ કાપવાની ગ્રામ પંચાયતની મંજુરી આપવાના અવેજ પેટે રૂ.૮૦,૦૦૦/- આપે તો જ ગ્રામ પંચાયતની મંજુરી આપવાનુ કહી ફરીયાદી પાસેથી રૂ.૮૦,૦૦૦/-ની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી તેઓએ મોરબી એ.સી.બી. કચેરીનો સંપર્ક કરતા આજરોજ મોરબી એ.સી.બી. દ્વારા લાંચનુ છટકુ ગોઠવવામા આવ્યું હતું અને દામજીભાઇ પોપટભાઇ ગામીને રૂ.૮૦,૦૦૦/-ની લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યા હતા. જેને ગુન્હાની કબૂલાત આપતા એ.સી.બી.એ બંને આરોપીઓને પકડી પાડ્યા હતા. જે બનાવમાં મોરબી જીલ્લા વિકાસ અધિકારી ડી ડી જાડેજા દ્વારા બંનેને તાત્કાલિક અસરથી હોદા પરથી સસ્પેન્ડ કરાયા છે. મહિલા ઇન્ચાર્જ સરપંચ જ્યોતિબેન મુકેશભાઈ પરમારે તેના પતિને પંચાયતનો વહીવટ ચલાવવા આપેલ હોવાનું પુરવાર થતાં કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી એસીબીની ટીમે ગત તા.૨૩ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ મહિલા સરપંચના પતી મુકેશ પરમાર અને પંચાયતના સભ્ય દામજીભાઈ ગામીને રંગેહાથ લાંચ લેતા પકડી પાડયા હતાં. જ્યારે મહિલા સરપંચના લાંચિયા પતિદેવ અને સભ્ય બને હાલ જેલમાં કેદ છે.