મોરબીના શનાળા રોડ ખાતે આવેલ હાઉસીંગ બોર્ડના ત્રણ માળીયા ક્વાર્ટરમાં પૂર્વ બાતમીને આધારે મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમ દ્વારા દરોડો પાડી આરોપીના રહેણાંક ક્વાર્ટરના ધાબા ઉપરથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૫૦ નંગ બોટલ સાથે એકની અટકાયત કરવામાં આવી હતી. પકડાયેલ આરોપીની સઘન પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો વાવડી રોડ ઉપર રહેતા અન્ય એક આરોપી પાસેથી લઇ આવી વેચાણ કરવા ત્રણ માળીયા ક્વાર્ટરના ધાબા ઉપર સંતાડ્યાની કબૂલાત આપતા પોલીસે દારૂનો જથ્થો કબ્જે લઇ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.હેઠળ ગુનહી નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી એલસીબી પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે શનાળા રોડ સ્થિત ત્રણ માળીયા ક્વાર્ટરના બ્લોક નં.એમ ૬૮/૩૭૬ માં આરોપી મનોજ કિશોરભાઈ મિસ્ત્રી વેચાણાર્થે વિદેશી દારૂનો જથ્થો રાખ્યો હોય. જે મળેલ બાતમીને આધારે ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા ત્રણ માળિયાના ત્રીજા માળે આવેલ આરોપીના ક્વાર્ટરના ધાબા ઉપરથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૫૦ બોટલ મળી આવી હતી. આ સાથે આરોપી મનોજ કિશોરભાઇ ખારેચા ઉવ-૪૯ રહે.શનાળા રોડ, ગુજરાત હાઉસીંગ બોર્ડ, બ્લોક ન.એમ-૬૮/૩૭૬ની સ્થળ ઉપરથી ધરપકડ કરી હતી. દરોડા દરમિયાન પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો વાવડી રોડ ઉપર રહેતા રાહિલ અયુબભાઇ માણેકીયા પાસેથી લાવી ઉપરોક્ત જગ્યાએ સંતાડેલ હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો ડખા કરી આગળની તપાસ ચલાવી છે.