શિયાળાની ઋતુ દરમિયાન રાત્રીના કે વહેલી સવારના સમયે ચોરી અને લૂંટના બનાવો વધતા હોય છે ત્યારે માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે ચાર જેટલા લૂંટારાઓએ ઘરમાં ઘૂસી દંપતી પર હુમલો કરીને લૂંટ ચલાવવાનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
બનાવની વિગત મુજબ માળીયા મિયાણા ના સરવડ ગામે સરદાર નગરમાં રહેતા મગનભાઈ સુરાણી અને જશુબેન સુરાણી પર હુમલો કરીને લૂંટારૂઓએ લૂંટને અંજામ આપ્યો હતો જેમાં મકાનમાલિક વહેલી સવારે લઘુશંકા કરવા બહાર નીકળ્યા ત્યારે ઘરના ફળિયામાં છુપાઈને તાક માંડીને બેસેલા ચાર જેટલા લૂંટારૂઓએ અચાનક લાકડી જેવા હથિયારો વડે હુમલો કરી દિધો હતો
તેમજ જશુબેન પર પણ હુમલો કરી કાનમાં પહેરેલ સોનાની બૂટી તેમજ ઘરમાં પડેલ પાંચ જોડી ચાંદીના સાંકળા અને રૂપિયા પાંચ હજાર જેટલી રોકડ રકમની લૂંટ ચલાવી હતી આ બનાવમાં મગનભાઈ ને માથામાં ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક માળીયા મિયાણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને માથામાં ટાંકા લીધા હતા અને માળીયા મિયાણા પોલીસને બનાવની જાણ થતા ઘટનાસ્થળે દોડી જઇને તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો તેમજ સરવડ ગામના સરપંચ નવનીતભાઈ સરડવા એ પણ ઘટનાસ્થળે દોડી જઇને પરિવારને સાંત્વના આપી હતી.