મોરબી રેન્જ ફોરેસ્ટ ટીમ દ્વારા લક્ષ્મીનગર ગામની સીમમાં દરોડો પાડીને શિકારી ટોળકી ઝડપી લેવામાં આવી છે જેમાં આ ટોળકીના સાત સભ્યોને લાખોના મુદ્દામાલ અને હથિયાર સાથે તેમજ નીલગાય ના મૃતદેહ ના અવશેષો સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
મોરબી રેન્જ ફોરેસ્ટ ની ટીમ ને બાતમી મળી હતી કે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં શિકારી ટોળકી આવી છે અને બંદૂકનો ભડાકા નો અવાજ પણ સભળાયો છે જેને લઇને ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા મોડી રાત્રે લક્ષ્મીનગર ગામની સીમમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું
જે દરમિયાન એક સીમમાં એક જગ્યા પર શંકાસ્પદ હિલચાલ દેખાતા ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો અને જ્યાંથી સાત ઈસમો રમજાન સામતાણી,સિરાજ સામતાણી, મનસુર સામતાણી,ઇબ્રાહિમ કટીયા,આશિક માણેક,અબ્બાસ માણેક અને ઇશાક કટિયા ની અટકાયત કરવામાં આવી હતી તેમજ તેમની પૂછપરછ કરતા તેઓએ કબૂલાત આપી હતી કે બંદૂકના ભડાકે તેઓએ બે નીલગાય નો શિકાર કર્યો હતો અને ત્યાર બાદ નીલગાય ના માસ ને રાંધીને ખાતા હતા.જે બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા એક બંદૂક ,એક મહિન્દ્રા પિકપ બોલેરો,એક સ્વીફ્ટ કાર,એક ઇનોવા ક્રિસ્ટા તેમજ બે બાઇક સહિત ૨૧.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરી ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૨(૧૬)(૨૦)(૩૨)(૩૬),૯,૩૯,૫૦,૫૧ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.