ટંકારા તાલુકામાં આગામી તા. ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ જયંતિ નિમિત્તે ૨૦૦માં જન્મોતસ્વ જ્ઞાન જ્યોતિ પર્વ- સ્મરણોત્સવ સમારોહ મોરબી જિલ્લાના ટંકારા ખાતે યોજવામાં આવશે ત્યારે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મું ઉપસ્થિત રહેશે ત્યારે રાજ્ય સરકાર દ્વારા લોકો જ્ઞાન જ્યોતિ પર્વ માણી શકે તે માટે જિલ્લામાં જાહેર રજા જાહેર કરાઇ છે.
મોરબીના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીના ૨૦૦માં જન્મોતસ્વ જ્ઞાન જ્યોતિ પર્વ સ્મરણોત્સવ સમારોહમાં સમગ્ર મોરબી જિલ્લાના લોકો ઉપસ્થિત રહી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા આગામી ૧૨/૦૨/૨૦૨૪ને સોમવારના રોજ મોરબી જિલ્લામાં ખાતેની તમામ સરકારી કચેરીઓ, મોરબી ખાતેના રાજય સરકાર હસ્તકના બોર્ડ, કોર્પોરેશન તેમજ પંચાયતની કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તથા ઔદ્યોગિક સંસ્થાઓમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે.
ટંકારા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં તા ૧૦ ફેબ્રુઆરી અને તા ૧૨ ફેબ્રુઆરીએ રજા જાહેર કરાઇ
ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા રજા જાહેર કરતા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જિલ્લાની જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના 200માં જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે રજાઓ જાહેર કરાઈ છે. જેને લઇ ત્રણ (૩) સ્થાનિક રજાઓ કે જે જાહેર કરવા સતા જે તે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે હોય છે. જેને લઇ મહર્ષિ દયાનંદ સરસ્વતીની ર૦૦ મી જન્મજયંતિ નિમિત્તે ટંકારા ખાતે યોજાનાર કાર્યક્રમ અન્વયે ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં આગામી તારીખ : ૧૦/૦૨/૨૦૨૪ (શનિવાર) અને તારીખ : ૧૨/૦૨/૨૦૨૪ (સોમવાર) એમ બે (૨) સ્થાનિક રજાઓ જાહેર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જયારે ત્રીજી રજા પછીથી જાહેર કરવામા આવશે. તેવું જણાવવામાં આવ્યું હતું.