ભૂવાએ કીધું કે આજુ બાજુ વાળાએ મેલી વિદ્યા કરી છે તો વૃદ્ધ એ પાડોશી મહિલાને ટ્રક હેઠળ કચડી નાખી!
ગત તા.૩૧ જાન્યુઆરીના રોજ મોરબીના પંચાસર રોડ પર ઘંટીએ દરણું મૂકીને પોતાના ઘરે પરત જતા રાહદારી મહિલાને ટ્રકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું. મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હતી. જેમાં મોટો ખુલાસો થયો છે. મહિલાનું અકસ્માતતે મોત નથી થયું પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે આરોપીની પુછપરછ માં હત્યા કરવાના વિચાર પાછળ અંધશ્રદ્ધા કારણ ભૂત હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર,ગત તા.૩૧ જાન્યુઆરીના રોજ મોરબી ના પંચાસર રોડ પર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા કંકુબેન રમણીકભાઇ ડાભી દરણું દળાવવા માટે ઘંટીએ ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ તેમને કાળ ભરખી ગયો હતો. મહિલાને ઘરે આવતી વખતે ટ્રક ચાલકે હડફેટે લેતા ટ્રક હેઠળ કચડાઈ જતા મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. ત્યારે બનાવને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મહિલાને મૃતદેહને પોસ્ટમોર્ટ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે બનાવની તપાસ દરમિયાન હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત જણાતો આ બનાવ હત્યાનો હોવાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે બનાવમાં પોલીસે મૃતક મહિલાના પડોશમાં રહેતા ટ્રક ડ્રાઈવર અમૃતલાલ કેશુભાઈ ચૌહાણ(ઉ.૬૩)ની ધરપકડ કરી છે. ત્યારે આરોપીની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, મૃતક મહિલા અને આરોપી બન્ને પાડોશીઓને કોઈને કોઈ બાબતે અવાર નવાર તકરાર થતી હતી.તેમજ આરોપી આર્થિક સંકડામણ માં રહેતો હોય અને તેની પત્નીને પણ ગંભીર બીમારી હોવાથી તે કોઈ ભુવા પાસે જોડાવવા ગયેલ હતો જ્યા ભુવા એ જણાવેલ કે તેમની આજુ બાજુમાં રહેતા કોઈ વ્યક્તિએ તેમના પર મેલી વિદ્યા કરેલ છે જે શંકાને લઇને આરોપીએ પોતાના મૂળ નિવાસ સ્થાન એટલે કે મૃતક મહિલા કંકુબેન ના પડોશમાંથી અન્યત્ર રહેવા ચાલ્યો ગયેલ છતાં પણ તેની પરિસ્થિતિ ન સુધરતા અંતે તેને મહિલા ની ઢીમ ઢાળી દેવાનું નક્કી કરેલ હતું જે બાદ આરોપી અમૃતલાલે મોકાનો લાભ ઉઠાવી મહિલાને કચડી હત્યા નીપજાવી હોવાની કબૂલાત આપી છે.હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.