પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવાસ યોજના ઈ-લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે આગામી ૧૦ ફેબ્રુઆરીએ મોરબી જિલ્લામાં ટંકારા, વાંકાનેર, હળવદ અને મોરબીમાં વિધાનસભા સીટ અનુસાર કાર્યક્રમો યોજાશે
સમગ્ર રાજયમાં યોજાનાર આવાસ યોજના આવાસ યોજના ઈ-લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ અન્વયે આગામી ૧૦ ફેબ્રુઆરીએ મોરબી જિલ્લામાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂતનો કાર્યક્રમ આગામી તા.૧૦ મી ફેબ્રુઆરીનાં રોજ યોજાનાર છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લાના તાલુકાઓમાં પણ આવાસ યોજનાના મકાનોનો લોકાર્પણ અને ખાતમૂર્હુત કાર્યક્રમ યોજાનાર છે. તા.૧૦ મી ફેબ્રુઆરીના રોજ મોરબી જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોમાં યોજનાર કાર્યક્રમમાં ૪૩૯ જેટલા લાભાર્થીઓના આવાસનું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના મકાનનો સમાવેશ થાય છે.
આગામી ૧૦ ફેબ્રુઆરીએ મોરબી માળિયા વિધાનસભા સીટ અન્વયે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેર વિધાનસભા સીટ અન્વયે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ટંકારા વિધાનસભા સીટ અન્વયે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને હળવદ વિધાનસભા સીટ અન્વયે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં વિધાનસભા મતવિસ્તાર દીઠ ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા તમામ લાભાર્થીઓ તથા જાહેર જનતાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.