મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પીડિતોને મુખ્યમંત્રીને પત્ર લખી મુખ્ય આરોપી જયસુખ પટેલની અન્ય જિલ્લા જેલમાં ટ્રાન્સફર કરવા માંગ કરી છે. તેમજ પીડિતોએ પત્ર લખીને મોરબી જેલ તંત્ર પર સવાલ ઉઠાવ્યા છે. જેને લઇને મોરબી જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના પીડિતોએ મુખ્યમંત્રી તથા ડીજીપી વિકાસ સહાય અને જેલ આઇજી કે.એલ.એન.રાવને પત્ર લખી મુખ્ય આરોપી જયસુખ પટેલની અન્ય જિલ્લામાં જેલ ટ્રાન્સફર કરવા માંગ કરી છે. જે પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે ૩૦/૧૦/૨૨ ના રોજ ૧૩૫ જેટલા લોકોનો મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં ભોગ લેવાયો હતો. જેમાં અમે અમારા નિર્દોષ બાળકો, યુવાનો અને સ્વજનો ગુમાવ્યા છે. આ કેસનો મુખ્ય આરોપી ઓરેવા ગૃપનો એમડી જયસુખ પટેલ હાલ મોરબીની સબ જેલમાં છે. આરોપીને મોરબી સેશન્સ કોર્ટમાં કોર્ટ કાર્યવાહી દરમિયાન ઘણી વાર ખાનગી વાહનોમાં લઇ અવાય છે તેવું અમારા ધ્યાને આવ્યું છે. મોરબી સબ જેલમાં તેને નિયમો વિરુદ્ધ વધારાની વીઆઇપી સવલતો મળે છે . પીડિતોએ શંકા વ્યક્ત કરી છે કે આરોપી જયસુખ પોતાની રાજકીય વગનો ઉપયોગ કરી જેલ પરિસરમાંથી બહાર ગમે ત્યારે આવી જઇ શકે તેવી સુવિધા અપાઇ છે. પીડિતોએ આરોપ લગાવ્યો કે સ્થાનિક અધિકારી અને જેલ તંત્રના અધિકારી પરોક્ષ રીતે જયસુખ પટેલને સુવિધા પૂરી પાડે છે. જેથી જેલના છેલ્લા ત્રણ માસના સીસીટીવી પણ ચેક કરવામાં આવે તેવી માંગ કરતો પત્ર પીડિતોએ મુખ્યમંત્રીને લખ્યો છે. તેમજ આરોપી જયસુખ પટેલને અન્ય કોઇ જિલ્લાની જેલમાં ટ્રાન્સફર કરવા માગ પીડિતોએ કરી છે. તેવો પત્ર મુખ્યમંત્રીને લખતા મોરબી જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.