વર્ષ ૨૦૨૨માં બનેલી ઝૂલતા પુલની દુર્ઘટનામાં કોર્ટે વધુ બે આરોપીને જામીન આપ્યાં છે. ઓરેવા કંપનીના મેનેજર અને કોન્ટ્રાકટરને કોર્ટે જામીન આપ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ૬ લોકોને અગાઉ જામીન મળ્યા છે.
૩૦મી ઓક્ટોબર, ૨૦૨૨ના દિવસે મોરબીની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં ગયો હતો. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ લોકો દોડી આવ્યાં હતાં અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનામાં સત્તાવાર રીતે ૧૩૫ લોકો મૃત્યુ પામ્યાં છે તેવું જણાવવામાં આવ્યું હતું. ત્યારે હવે આ કેસમાં વધુ બે આરોપીઓના જામીન મંજુર થયા છે. મોરબી ઝુલતા પુલ કેસનો મામલે કુલ દસ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. જે ૧૦ માંથી 6 શખ્સોને અગાઉ જામીન મળી ચુક્યા છે. જ્યારે આજે હાઈકોર્ટમાંથી વધુ બે આરોપીના જામીન મંજુર થયા છે. મેનજર દીપક પારેખ અને કોન્ટ્રાકટર પ્રકાશ પરમારનાં જામીન આજે મંજુર થયા છે. જો કે, આ કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલ હજુ જેલમાં જ છે.