મોરબી બાયપાસ હાઈવે પર બાઈક પર સ્ટંટ કરતા ઇસમને પોલીસે પકડી પાડ્યો છે. ઈસમનો ચાલુ બાઈકમાં સ્ટેરીંગ છૂટું મૂકી ડાન્સ કરતો હોવાનો વિડિયો વાયરલ થયો હતો. જે બાદ મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસે બાઈક નંબરને આધારે તપાસ હાથ ધરી હતી. અને પોલીસે પોતાનો અને અન્યના જીવ જોખમમાં મૂકી બાઈક પર સ્ટંટ કરનાર હરપ્રીતસિંગ મેજરસીંગ જાટની અટકાયત કરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના અને માર્ગદશન હેઠળ મોરબી જીલ્લામાં ટ્રાફિક નિયમોનુ ચુસ્તપણે પાલન થાય અને ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જણાવેલ હોય જે અન્વયે ટ્રાફીક શાખાના પી.આઈ. કે.એમ.છાસીયાની સુચના મુજબ પી.એસ.આઇ. ડી.બી.ઠક્કર તથા સ્ટાફના માણસો ટ્રાફિક નિયમનની કામગીરીમાં કાર્યરત હતા. જે દરમ્યાન સોશ્યલ મીડીયા પર એક મોટરસાઈકલનો સ્ટંટ કરતો ઈસમનો વિડીયો વાઈરલ થયો હતો. જે અંગે ટ્રાફીક શાખાના અધિકારીઓને સૂચના મળતા તેઓ દ્વારા તાત્કાલીક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને વિડીયો જોતા તેમાં મોરબી-રાજકોટ બાયપાસ રોડ ઉપર એક મોટર સાઇકલ ચાલક પોતાનું મોટરસાઈકલ પુરઝડપે અને બેફીકરાઇથી કાવા મારી સર્પાકારે સ્ટંટ કરી હાઇવે રોડ ઉપર નીકળતા, પોતાની તથા અન્ય માણસોની જીંદગી જોખમાય તેવુ કૃત્ય કરેલ હોય, જે વાયરલ થયેલ વિડીયોમાં વાહનના નં. GJ-36-AD-2703 હોવાનુ જણાય આવતા, તુરત જ વાહન નંબર e.GujCop માં સર્ચ કરી ડીટેઇલ મેળવી, હરપ્રિતસીંગ મેજરસીંગ જાટ (રહે.લજાઈ ગામ એટોપ કારખાના સામે બ્રિજ કાર્બેટ ફ્રેન્ચફ્રાય કારખાનાની ઓરડી તા.ટંકારા જી.મોરબી મુળ રહે.ગામ-મનોચાહલ તા.જી.તર્ણતરણ, પંજાબ રાજય) નામના ઈસમને GJ-36-AD-2703 નંબરના મોટરસાઈકલ સાથે શોધી કાઢી પુછપરછ કરતા પોતે ગુન્હાની કબુલાત આપતો હોય, જેથી મોટરસાઈકલના ચાલક વિરુધ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી ઈસમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.