વર્તમાન સમયમાં દેખાદેખી ને કારણે સગાઈ કે લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચા કરતા યુવાનો નજરે પડતાં હોય છે. ત્યારે મોરબીના શનાળા બાયપાસ પાસે લાયન્સ નગરમાં રહેતા દલિત પરિવારે સગા સંબંધીઓની હાજરીમાં જાહેર બગીચામાં માત્ર ચા પીને સગાઈનો પ્રસંગ યોજ્યો હતો. અને વર્તમાન યુવા પેઢીને લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચા નહીં કરવા સંદેશો આપ્યો હતો.
આપણા રીત રિવાજ મુજબ સગાઈ અને લગ્ન પ્રસંગમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવાની પરંપરા થઈ ગઈ છે. અને તેના માટે એક બીજાની દેખાદેખી પણ જવાબદાર છે. ત્યારે મોરબીના મોર્ડન હોલ પાછળ, શનાળા બાયપાસ પાસે લાયન્સ નગરમાં રહેતા સ્વ.મનુભાઈ બાબુભાઈ પરમારની પુત્રીની સગાઈ સામા કાંઠે નજર બાગ પાસે બોધનગરમાં રહેતા લાલજીભાઇ નાગજીભાઈ સોલંકીના પુત્ર સાથે યોજાઇ હતી. જેમાં બંને પરિવારોના સગા સબંધીઓએ ભેગા થઈને જાહેર બગીચામાં માત્ર અડધી ચા પીને સગાઈ ની રસમ કરી હતી. આ રીતે દલિત પરીવાર દ્વારા ખોટા ખર્ચા બચાવીને એક કલાકમાં સગાઈ ની રસમ પૂર્ણ કરી હાલના સમયમાં સગાઈ કે લગ્ન પ્રસંગમાં લાખો રૂપિયા ખર્ચ કરતા યુવાધનને ખોટો ખર્ચો નહિ કરવાનો સંદેશો આપ્યો છે.