મોરબી તાલુકા પોલીસે ટ્રક, લોડર ઈન્ડોનેશિયન કોલસો, કોલસાની ભૂકી સહીત ૨૩.૦૫ લાખનો માલ જપ્ત કર્યો
મોરબીમાં ગેસ ચોરી, ડીઝલ ચોરીના કૌભાંડના કિસ્સા બાદ હાલ મોરબી તાલુકા પોલીસ દ્વારા કોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે . જેમાં નવલખી બંદરેથી ઈન્ડોનેશિયન કોલસો ટ્રકમાં લોડ કરી મૂળ સ્થાને ખાલી કરવાને બદલે ટ્રક માલિકના કોલસાના ડેલામાં લોડર વડે કોલસો ચોરી કરી તેમાં કોલસાની ભૂકી ભરી વજન સમપ્રમાણ કરવાના સમગ્ર કૌભાંડમાં ટ્રક, લોડર, ઈન્ડોનેશિયન કોલસો, કોલસાની ભૂકી સહીત ૨૩.૦૫લાખના મુદામાલ સાથે આરોપી ટ્રક ચાલક તથા લોડર ચાલકની ધરપકડ કરાઈ છે જયારે સમગ્ર કોલસા ચોરીના માસ્ટર માઈન્ડ એવા ટ્રક માલિક તથા તપાસમાં ખુલ્લે તેને ફરાર દર્શાવી હાલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં આઇપીસી કલમ ૪૦૭,૧૧૪ હેઠળ ગુનો નોંધી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
કોલસા ચોરી પ્રકરણ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી તાલુકાના ભડીયાદ ગામ નજીક કમલ કારખાના પાછળ આવેલ કોલસાના ડેલામાં ટ્રકમાંથી ગેરકાયદેસર વેચાણ કરવાના ઇરાદે ઈન્ડોનેશિયન કોલસાની ચોરી કરવાનું કૌભાંડ ચાલતું હોવાની મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી હતી. જે બાતમીને આધારે ભડીયાદ ગામ નજીક કોલસાના ડેલામાં તાલુકા પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો.
કોલસાના ડેલામાં ઇન્ડોનેશિયન કોલસો ભરેલ ટ્રકમાં લોડર વડે કોલસા ચોરીનું કૌભાંડ ચાલતું હતું ત્યારે જ મોરબી તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી ટ્રક નં. જીજે-36-ટી-9994 તથા લોડર નં.જીજે-36-એસ-1279 કે જે ટ્રકમાંથી ઈન્ડોનેશિયન કોલસાની ચોરી કરી તેમાં કોલસાની ભૂકી સમપ્રમાણમાં ભરી આખું કૌભાંડ આચરાતું હોવાનું સામે આવ્યું હતું. આ સાથે ટ્રક ચાલક આરોપી જીવરાજ વિઠ્ઠલભાઈ સાંથલીયા રહે.મોટા દહીંસરા માળીયા(મી) તથા આરોપી લોડર ચાલક રાકેશ સાવરા રહે હાલ ભડીયાદ ગામ મૂળ જાંબુઆ(એમપી)ની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી. જયારે આ કોલસા ચોરીનો મુખ્ય સૂત્રધાર અને ટ્રક માલિક નવઘણભાઇ જશાભાઇ બાલાસરા રહે.વાવડી રોડ મોરબી હાજર મળી આવેલ ન હોય જેથી તેને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી તાલુકા પોલીસ દ્વારા દરોડો પાડી સમગ્ર કોલસા ચોરીમાં નવલખી પોર્ટમાંથી ટ્રકમાં ઇન્ડોનેશિયન કોલસો ભરી લાવી પટેલ કોલ કોર્પોરેશનમાં ખાલી કરવા જવાને બદલે ભડીયાદ ગામે આવેલ કોલસાના ડેલામાં સમગ્ર કોલસા ચોરી કૌભાંડ આચરાતું હતું. પોલીસે સ્થળ ઉપરથી ટ્રક રજી.નં. GJ-36-T-9994 કિં.રૂ.૧૫,૦૦,૦૦૦/-, ટ્રકની પાછળના ભાગે ખાલી કરેલ કૂલ ઇન્ડોનેશીયન કોલસો ૪૩.૭૩ મેટ્રિક ટન કિં.રૂ.૨,૭૫,૪૯૯/- તથા બાજુમાં રહેલ કોલસાની ભુકી આશરે ૨૨ મેટ્રિક ટન કિં.રૂ.૩૦,૦૦૦/- તથા જોનડીયર કંપનીનુ લોડર રજી.નં. GJ-36-S-1279 કિં.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કૂલ કિં.રૂ ૨૩,૦૫,૪૯૯/-ના મુદામાલ કબ્જે કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.