મોરબીના જેતપર ગામે અગાઉ પોતાની દીકરીની સગાઇ ગામના યુવક સાથે કરવાની ના પાડી હોય તેનો ખાર રાખી દીકરીના પિતા ઉપર ગામના પિતા-પુત્ર દ્વારા બે-ત્રણ ઝાપટ મારી લાકડાના ધોકા સાથે આવી દીકરીના પિતાને મારી નાખવાની ધમકી આપતા સમગ્ર બનાવ બાદ જેતપર ગામના પિતા-પુત્ર સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ આઇપીસી કલમ તથા જીપી એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મૂળ મોરબી તાલુકાના જેતપર ગામના વાતની હાલ મોરબીના સત્યમ પાનવાળી શેરીમાં આવેલ પુનિતનગર સોસાયટીમાં રહેતા લલીતભાઇ અમરશીભાઇ કંડીયા ઉવ.૪૮ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી મુકેશભાઇ રૂગનાથભાઇ અમ્રુતિયા ઉવ.૫૨ ભાવિકભાઇ મુકેશભાઇ અમ્રુતિયા ઉવ.૨૩ રહે.બન્ને જેતપર ગામ તા.જી.મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૧૭/૦૨ના રોજ જેતપર ગામ કુટુંબી ભાઈને ત્યાં રાંદલનો પ્રસંગ હોય ત્યારે અમે સહ પરિવાર જેતપર ગામે ગયા હોય ત્યારે ગામમાં આવેલ નંદાભાઈ ચા વાળાની દુકાને લલિતભાઈ ઉભા હોય ત્યારે આરોપી મુકેશભાઈ આવી કહેવા લાગેલ કે તારી દીકરીની સગાઇ મારા દીકરા સાથે કરવાની ના કેમ પાડે છે તેમ કહી લલિતભાઈને બેફામ ગાળો આપી બે-ત્રણ ફડાકા ઝીકી દઈ મારી નાખવાની ધમકી આપી જતા રહેલ ત્યારબાદ આરોપી મુકેશભાઈ તથા તેનો પુત્ર લાકડાના ધોકા લઇ લલિતભાઈના ઘર પાસે આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આજુબાજુના ગ્રામજનો ભેગા થઇ જતા આરોપી પિતા-પુત્ર ત્યાંથી ચાલ્યા ગયાની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.