ઈરાનથી દરિયાઈ માર્ગે ગુજરાતના વેરાવળ ખાતે હેરોઇન લાવવામાં આવી રહ્યુ હોવાની બાતમી મળતા ગીર સોમનાથ SOG દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોદી કાંઠે દરોડો પાડી ૫૦ કિલો આશરે રૂ.૩૫૦ કરોડની કિંમતના હેરોઈન ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. જેમાં ત્રણ મુખ્ય આરોપીઓ સહિત કુલ ૯ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. જેમાં મોરબીના ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીનું નામ ખૂલ્યું છે.
મળતી માહિતી અનુસાર, ગીર સોમનાથ SOG ને બાતમી મળી હતી કે ઈરાનથી દરિયાઈ માર્ગે ગુજરાતના વેરાવળ ખાતે એક ફિશિંગ બોટમાં શંકાસ્પદ નશીલો પદાર્થ આવી રહ્યો છે અને આ બોટ વેરાવળ બંદર પર લાંગરેલી છે. જે બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી રેઇડ પાડતા પ્રથમ ફિશિંગ બોટમાંથી એક ફોરવ્હિલમાં ડિલિવરી કરાયેલ 25 કિલો હેરોઇનના જથ્થા સાથે પ્રથમ 02 આરોપીઓની અટક કરી પૂછપરછ કરતા વધુ ફિશિંગ બોટમાં રખાયેલ બીજો 25 કિલો જથ્થો મળી કુલ 50 કિલો હરોઇનનો જથ્થો જપ્ત કર્યો છે જેની કિંમત 300 કરોડથી વધુ છે. જે કામગીરીને લઇને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગીર સોમનાથ પોલીસને આ પ્રશંસનીય કામગીરી બદલ રૂ.૧૦ લાખ ઇનામની જાહેરાત કરી છે. પોલીસ તપાસમાં ડ્રગ્સ કેસમાં ઈરાન અને પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું છે. જેમાં ડ્રગ્સની ડિલિવરી ઓમાનના મધદરિયેથી મૂર્તઝા નામના ઇસમે કરાવી હતી. જ્યારે જામનગરના જોડિયાનો ઇશાક દક્ષિણ આફ્રિકામાં બેઠાબેઠા સૂચનાઓ આપતો હતો. જે ઇશાક મોરબીના ડ્રગ્સ કેસમાં ફરાર છે. મોરબીના ઝીંઝુડા ગામ ખાતે ઝડપાયેલ ડ્રગ્સ કેસમાં ઈશાકની સંડોવણી ખુલી હતી જેમાં તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરાયો હતો. હાલ તો બોટના ટંડેલ અને ડિલિવરી લેવા આવેલ બન્ને ઇસમો સહિત ત્રણેય આરોપીઓને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે વેરાવળ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. FSLની તપાસમાં આ ડ્રગ્સનો જથ્થો મોર્ફિન, હેરોઇન અને કોકેઇન પ્રકારનો હોવાનું સામે આવ્યું છે. ધરપકડ કરાયેલા ટંડેલ પાસેથી મળી આવેલ સેટેલાઇટ ફોનના ટેક્નિકલ સર્વેલન્સમાં આ ડ્રગ્સ કેસના તાર વિદેશમાં પણ જોડાયેલા જોવા મળી રહયાં છે.