મોરબી જિલ્લા કોંગ્રેસમા ભંગાણની સ્થિતિ સર્જાઈ રહી છે. તાજેતરમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય બાદ હવે કોંગ્રેસના વધુ ત્રણ નેતાઓએ રાજીનામા ધરી દીધા છે. જેને લઈ હવે રાજકારણ ગરમાયુ છે.
તાજેતરમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લા પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયાની વરણી કરવામાં આવી હતી. જેની સામે કાર્યકર્તાઓમાં નારાજગી હોવાથી જિલ્લાના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલે આ નિમણૂક સામે વિરોધનો કર્યો હતો. આ મામલે પ્રદેશ કક્ષા સુધી રજૂઆતો કરવામાં આવી હતી. પણ આ નિર્ણયમાં કોઈ ફેરફાર કરવામાં ન આવતા નારાજગી જોવા મળતા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું હતું. જે બાદ હવે વધુ ત્રણ કોંગ્રેસી નેતાઓએ રાજીનામાં ધરી દીધા છે. જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિનાં મહામંત્રી ચેતન આર. એરવાડીયા, મોરબી શહેર કોંગ્રેસ સમિતિનાં ઉપપ્રમુખ અશ્વિનભાઈ વિડજા તથા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિનાં મહામંત્રી પ્રકાશભાઈ પી. બાવરવા દ્વારા પોતાના તમામ હોદ્દા ઉપરથી અને પ્રાથમિક સભ્ય પદથી રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે આ ત્રણેય નેતાઓ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. ત્યારે થોડા દિવસો પહેલા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પક્ષ પલટો કરવાની ટેવ વાળા કિશોરભાઈ ચીખલિયાની નિમણુક આપતા કોંગ્રેસમાં એક જૂથે બળવો કર્યો હતો. જેને લઇ હવે રાજીનામાનો દોર શરૂ થયો છે.