પ્રેમી પ્રેમિકાએ કરેલા સજોડે આપઘાતના બનાવમાં પ્રેમિકાનું મૃત્યુ નીપજતા પતિ દ્વારા પ્રેમી સામે હત્યાની ફરિયાદ નોંધાવી
મોરબીમાં આજથી વીસેક દિવસ પહેલા મોરબીના નાની વાવડી બગથળા ગામ વચ્ચે આવેલ હનુમાનજીના મંદિર પાસે ભડીયાદ વિસ્તારમાં રહેતા પરિણીતાએ પોતાના પ્રેમી સાથે મળી બંનેએ એકસાથે ઝેરી દવા પી શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટી આપઘાત કરવાનો બનાવ સામે આવ્યો હતો. જે બનાવમાં પરિણીતાનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું જયારે પ્રેમીને મોરબી ત્યાથી વધુ સારવારમાં રાજકોટ ખસેડાયો હતો ત્યારે પરિણીતાના પતિ દ્વારા સમગ્ર બનાવ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં કહેવાતા પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પ્રેમી વિરુદ્ધ હત્યા તથા એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર ગત તા. ૧૧/૦૨ના સાંજના અરસામાં મોરબીના નાની વાવડી થી બગથળા ગામ વચ્ચે આવેલ હનુમાનજીના મંદિર સામે સંગીતાબેન દેવજીભાઇ પરમાર ઉ.૨૪ અને ભાડિયાદમાં જ રહેતા જ્યોતેન્દ્ર રજનીકાન્ત નાગર ઉ.૨૪ નામના યુવાને ઝેરી દવા પી લીધા બાદ શરીર ઉપર પેટ્રોલ છાંટી સળગી જતા ગંભીર રીતે દાઝી ગયેલ સંગીતાબેન દેવજીભાઇ પરમારનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું જયારે ગંભીર રીતે દાઝી ગયેલા જ્યોતેન્દ્ર રજનીકાન્ત નાગરને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ગઈકાલ તા.૦૧/૦૩ ના રોજ મૃતક સંગીતાબેનના પતિ દેવજીભાઇ પ્રવિણભાઇ પરમાર ઉવ.૨૯ રહે.જંગલેશ્વર મંદિરની બાજુમાં, ભડીયાદ રોડ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી જયોતેન્દ્ર રજનીકાંત નાગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપી જ્યોતેન્દ્ર એ દેવજીભાઈના પત્નિ સંગીતાબેન સાથે કોઇ મનદુખ થતા, સંગીતાબેનને ધરારથી કોઇ ઝેરી દવા પાઇ, શરીરે કોઇ જવલનશીલ પ્રવાહી છાટી, કોઇ રીતે સળગાવી દઇ મારી નાખી સંગીતાબેનની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવતા હાલ તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૨ તથા એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.