છેલ્લા ત્રણેક વર્ષથી શિક્ષકો સહિતના તમામ કર્મચારીઓ જૂની પેન્શન પુન: લાગુ કરવા માટે અને અન્ય પડતર પ્રશ્નો માટે આંદોલન ચલાવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં પાંચ મંત્રીઓની કમિટીએ વર્ષ 2005 પહેલાં નિમણુંક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો હતો. પરંતુ હજુ સુધી ઠરાવ બહાર નહિ પાડતા મોરબી જિલ્લાના શિક્ષકો સહિત તમામ કર્મચારીઓ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી શટ ડાઉન,પેન અને ચોક ડાઉન કરી વિરોધ નોંધાવ્યો હતો.
મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા મહા મતદાન યોજવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના શિક્ષકો સહિત તમામ કર્મચારીઓ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી શટ ડાઉન,પેન અને ચોક ડાઉન કર્યું હતું. તેમજ HTAT મુખ્ય શિક્ષકો નોકરીમાં લાગ્યા તેને તેર વર્ષ થઈ ગયાં હોવા છતાં HTAT મુખ્ય શિક્ષકોના નિયમો બહાર પાડ્યા નથી. શિક્ષકો સાથે મોરબી જિલ્લાના તમામ કર્મચારીઓ મતદાન કર્યું હતું. પે સેન્ટર ઉપર તમામ શિક્ષકો, તલાટી મંત્રીઓ અને ગ્રામ્ય લેવલના અન્ય કર્મચારીઓએ તેમજ જિલ્લા પંચાયત, જિલ્લા સેવા સદન, તાલુકા પંચાયત અને તાલુકા સેવા સદન ખાતે મત પત્રકમાં પોતાની માંગણીઓ સામે ટિક માર્ક કરી મતદાન કર્યું હતું. સમગ્ર જિલ્લામાં પાંચ હજારથી વધુ મતપત્રો અને 125 જેટલી મતપેટીઓ અને દશ જેટલી ફરતી મતપેટી તૈયાર કરવામાં આવી હતી. 6 માર્ચ 2024 ના રોજ તમામ શિક્ષકો સહિતના કર્મચારીઓએ મહા મતદાનની સાથે સાથે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યો હતો. તેમજ વિદ્યાર્થીઓને રમત ગમત અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ જ કરાવી હતી. તેમજ મતની ગણતરી કરીને રાજ્યકક્ષાએ રિપોર્ટિંગ કરવામાં આવશે. આમ શિક્ષકો સહિત તમામ કર્મચારીઓ હાલ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.