કાળજા કેરા કટકા જેવી દિકરીને સમયવર્તે ધામધૂમથી પરણાવવાની હોય અમીર, ગરીબ કે મધ્યમ વર્ગીય દરેક પરિવારમાં એક સમાન રીતે જોવા મળે છે. પરિસ્થિતિ ગમ્મે તેવી હોય દિકરીને પરણાવવાની ઘડી આવે ત્યારે પહોંચતા હોય કે ન હોય પણ પરિવારજનો દિકરીને સ્વગૃહે વળાવવા લોન લે, દેણા કરે, બચત ખર્ચી નાંખે પણ દિકરીને સાસરીયામાં જરા પણ ઓછું ન આવે તેવા ભરચક્ક પ્રયાસો કરતાં આપણે સેંકડો વાર જોયા જાણ્યા છે. વિવિધ જ્ઞાતિ, સમાજ કે ધાર્મિક, સામાજિક સંસ્થાઓ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દર વર્ષે સમૂહ લગ્નોનાં આયોજનો કરે છે. જેમાં એકસાથે ઘણા પરિવારોની દિકરીઓને ધામધૂમથી વળાવવામાં આવે છે.
સમૂહ લગ્નમાં દિકરીને પરણાવવાનો હવે કોઇ છોછ અનુભવતું નથી પણ દરેક મા-બાપ, ભાઇની એવી ઇચ્છા જરૂર હોય છે કે મારી દિકરી કે મારી બહેન ઘર આંગણે પરણે કે જે આંગણા-ફળિયામાં રમીને, પડી-આખડીને તે મોટી થઇ, જે આંગણામાં નાની-નાની ચીજવસ્તુ, રમકડાનાં વેન માં-બાપે પુરા કર્યા હોય, જે આંગણામાં મોટ્ટા ભાઇને ઠપકો આપીને બાપે પોતાની માંગણી પુરી કરી હોય, જે આંગણામાં નાનકડી સખીઓ સંગાથે મોળાકતનાં વ્રતમાં જ્વારા વાવ્યા હોય એવાં ઘરનાં આંગણીયામાં જ પરણવાનાં કોડ તો દરેક કન્યાનાં મનમાં હોય જ પણ બાપની ટૂંકી પછેડીનાં માપની દિકરી સિવાય વધુ કોને ખબર હોય? સમૂહ લગ્નની વાત આવે ત્યારે ઘરઆંગણામાં જ ચોરીનાં ફેરા ફરીને ઘરની દિવાલની બહાર રાતા-ચોળ કંકૂનાં થાપા મારીને સ્વગૃહે જવાનાં ઓરતાં સમૂહમાં લગ્ન કરતી દિકરી મનમાં ને મનમાં ધરબી દે છે.આવી દિકરીઓની અને મા-બાપની વેદનાને સમજીને મોરબીનાં દેવભાઇ હકાભાઇ કુંભરવાડીયાએ પોતાનાં ૨૯માં જન્મદિવસે મહાશિવરાત્રિનાં પાવન દિવસે સંકલ્પ કર્યો છે કે તેઓ આખા વર્ષ દરમિયાન ૨૯ દિકરીઓને તેનાં ઘરઆંગણે જ પરણાવશે અને સોયથી લઇ સાંબેલા સુધીનો કરિયાવર આપશે. ગરીબ, મધ્યમ વર્ગની દિકરીઓનાં ઘરનાં આંગણે પરણવાનાં ઓરતા પુરા કરવાનો સંકલ્પ લેનાર દેવભાઇએ કોઇપણ જાતના સ્વાર્થ વગર આજે શિવરાત્રિનાં દિવસે આ સંકલ્પ જાહેર કર્યો છે. મોરબી જિલ્લાનાં કોઇપણ ગામની ગરીબ પરિવારની ૨૯ દિકરી માટે તેમણે જાહેર કરેલા આ કાર્યનાં સંકલ્પનો ચરિતાર્થ કરવા માટે મો.નં.96419 11111 નો સંપર્ક કરી શકે છે.મોરબી જિલ્લાની કોઇપણ જ્ઞાતિની દિકરીને દેવભાઇ કુંભરવાડીયા તે દિકરીનાં આંગણે જ પરણાવીને એક ભાઇની ભૂમિકા ભજવશે. તેમજ દેવ ભાઈ કુંભર વાડિયા એ પોતાના જન્મદિવસ પર લીધેલા આ સંકલ્પ ની ચારે બાજુ પ્રસંશા થઈ રહી છે.