વાંકાનેર તાલુકા પોલીસે મોરબી-ચોટીલા હાઇવે ઉપર આવેલ રંગપર ગામના પાટીયા પાસે એકયુવીટ પ્લાસ્ટ નામના કારખાનાની સામે ખરાબામાં આવેલ પડતર બંધ દુકાનમાં બાતમીને આધારે દરોડો પાડી વિદેશી દારૂની ૫૬૪ નંગ બોટલ જેની કિ.રૂ.૨.૧૩ લાખનો મુદામાલ કબ્જે કરી અજાણ્યા આરોપી સામે ગુનો ડાખ્સલ કરી આરોપીને ઝડપી લેવા અલગ અલગ દિશામાં તપાસની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી ગામે રહેતા ભરતભાઈ વીરાભાઇ સોનારાએ અગાઉ મોરબી-ચોટીલા રોડ ઉપર રંગપર ગામના પાટીયા પાસે એકયુવીટ પ્લાસ્ટ કારખાનાની સામે ખરાબામાં પાન-માવાની દુકાન બનાવેલી હતી. જે દુકાન લાંબા સમયથી પડતર હાલતમાં બંધ હોય ત્યારે આ દુકાનમાં રહેલ લાકડાના ઘોડા તથા અન્ય સરસમાનની જરુરીયાત ઉભી થતા ભરતભાઈ ઉપરોક્ત પડતર દુકાને જતા દુકાનની અંદર જોતા વિદેશી દારૂનો જથ્થો કોઈ અજાણ્યા શખ્સો દ્વારા રાખેલ હોવાનું નજરે પડતા તુરંત વાંકાનેર પોલીસ મથકે ફોન કરી જાણ કરી હતી.
ઉપરોક્ત ટેલિફોનિક જાણ થતા મોરબી-ચોટીલા રોડ રંગપર ગામના પાટીયા પાસે એકયુવીટ કારખાના સામે આવેલ ખરાબામાં પડતર દુકાને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા પંચો સાથે દરોડો પાડતા દુકાનમાંથી વિદેશી દારૂની જુદી જુદી બે બ્રાન્ડની કુલ ૫૬૪ નંગ બોટલ જેની અંદાજે કિ.રૂ.૨,૧૩,૯૦૦/-નો મુદામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.આ સાથે પોલીસ ખુદ ફરિયાદી બની આરોપી અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.