મોરબીના રેલ્વે સ્ટેશન સામે આવેલ ત્રણ રસ્તા પાસે સીએનજી રીક્ષાની ટક્કરે ટ્યુશન કલાસીસમાં જતા યુવકને હાથમાં ફ્રેકચર જેવી ઇજા પહોંચી હતી. બનાવ બાબતે ઈજાગ્રસ્ત યુવકના દાદાની ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી સીએનજી રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.૨૮ ફેબ્રુઆરીના રોજ જીતરાજસિંહ જયપાલસિંહ જાડેજા ઉવ.૧૮ પોતાનું એકટીવા રજી.જીજે-૩૬-ઈ-૬૧૬૪ લઈને ટ્યુશન કલાસીસમાં જતો હોય ત્યારે રેલ્વે સ્ટેશન સામે આવે ત્રણ રસ્તા પાસે સીએનજી રીક્ષા રજી. જીજે-૩૬-યુ-૨૪૪૯ના ચાલકે પોતાની રીક્ષા પુરઝડપે અને બેદરકારી રીતે ચલાવી એકટીવાને ઠોકરે ચડાવતા એકટીવા ચાલક જીતરાજસિંહને એકટીવા સહીત નીચે પછાડી દેતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટમાં જીતરાજસિંહને હાથના ખંભા ઉપર ફ્રેક્ચરની સારવાર કરાવવામાં આવી હતી. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવકના દાદા ઘનુભા ભીખુભા જાડેજા રહે.મોરબી ન્યૂ રેલ્વે કોલોની બ.નં.૬૪ એ આરોપી સીએનજી રીક્ષા ચાલક વિરુદ્ધ સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે.